સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીધી છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
36 વર્ષના પિતા, 32 વર્ષની માતા અને 13 વર્ષના બાળકનું મોત થયું છે. મૃતક પરિવાર એક અઠવાડિયા પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યા હતા.
મૃતકોના નામ
ફૈઝ અહેમદ-પતિ (ઉં.વ.36)
મુબીના અહેમદ (ઉં.વ.32)
નોમાન અહેમદ (ઉં.વ.13)
સુરત શહેરના લાલગેટ વિસ્તારના હરિપુરા સૌય શેરીમાં સામૂહિક આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિ, પત્ની અને તેમના એક બાળકે ઝેરી દવા પીધાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા જ લાલગેટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હરિપુરા સૌય શેરીમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યોએ ઘરમાં જ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ટીમ તેમજ તાત્કાલિક તબીબી સેવાઓ સ્થળ પર પહોંચી હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત અંગે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સામૂહિક આપઘાત પાછળનું કારણ હજી સુધી અકબંધ છે. પ્રાથમિક તપાસમાં કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી, તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ પરિવારજનો, પાડોશીઓ તથા સંબંધિત લોકોના નિવેદનો લઈ રહી છે.
લાલગેટ પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર મામલે તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી છે. આપઘાત પાછળ આર્થિક તંગી, પારિવારિક કલેશ કે અન્ય કોઈ કારણ છે કે નહીં, તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. ઘટનાને લઈને વધુ વિગતો મળતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.