ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગઈકાલે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી અભય ચુડાસમાને દસ મહિના રાહ જોવડાવ્યા બાદ નિવૃત્તિ માટે મંજૂરી અપાઈ છે. નોટિફિકેશન મુજબ, અભય ચુડાસમા ૩૧ ઓકટોબર ૨૦૨૫ના આજ રોજ વય નિવૃત્ત થશે.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની ઓળખ
અભય ચુડાસમા વર્ષ ૧૯૯૯ બેચના આઈપીએસ અધિકારી છે અને હાલ તેઓ ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અહીં નોંધવું જરી છે કે અભય ચુડાસમા ઘણા મહત્વના કેસ સાથે જોડાયેલા હતા. જેમાં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો પણ સમાવેશ થાય છે. ડીવાયએસપી તરીકે તેમની પ્રથમ પોસ્ટિંગ અંકલેશ્વરમાં થઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે તેઓ લાંબો સમય જોડાયેલા હતા. જોકે તેમની ઓળખ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે થાય છે.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ પણ થઈ
ખૂબ જ વિવાદાસ્પદ એવા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ પણ થઈ હતી અને ત્યારબાદ જામીન મળ્યા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી નડિયાદની બિલોદરા જેલમાં અને એક વર્ષ મુંબઈની સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી તેમણે સેવા આપી હતી. અભય ચુડાસમા તેમના એક નિવેદન મામલે પણ જાણીતા છે. કારડિયા સમાજના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે આપણા સમાજની જે સંખ્યા છે અને જે તાકાત છે તે અનુસાર આપણા ઓછામાં ઓછા ચાર વિધાનસભ્ય હોવા જોઈએ અને આપણે સરકારમાં પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પરંતુ આપણા સમાજમાં એકતાનો અભાવ હોવાને લીધે અને આપણો પર્સનલ ઈગો મોટો થઈ જતો હોવાને લીધે આમ બનતું નથી. ત્યારબાદ તેમના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓ પણ થઈ હતી, પરંતુ તેમણે કોડીનાર ખાતેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હત્પં રાજકારણમાં પ્રવેશવા માગતો નથી, સમાજમાં શિક્ષણ ફેલાવવાની દિશામાં કામ કરીશ. આથી નિવૃત્તિ બાદ હવે તેઓ શું કરશે તે જોવાની પ્રતીક્ષા સૌને રહેશે.