પશ્ચિમ નાઇજીરીયાના ક્વારા રાજ્યમાં એક ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને આઈએસઆઈએસ સાથે સંકળાયેલા મનાતા જુથે નરસંહાર મચાવ્યો હતો જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલો વોરો અને નુકુ નામના બે ગામોમાં કરવામાં આવ્યો હતો. તાજેતરના મહિનાઓમાં નાઇજીરીયામાં આ હુમલો સૌથી ઘાતક માનવામાં આવે છે. અહેવાલ મુજબ, સ્થાનિક સાંસદ મોહમ્મદ ઉમર બાયોએ જણાવ્યું હતું કે આ હત્યાકાંડ પાછળ લકુરાવા નામનો સશસ્ત્ર જૂથનો હાથ હતો. આ જૂથ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. હુમલાખોરોએ ગામડાઓમાં ઘૂસીને અંધાધૂંધ હુમલો કર્યો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો માર્યા ગયા.જે વિસ્તારોમાં હુમલો થયો તે વિસ્તારો અત્યંત દૂરના છે. આ ગામો રાજ્યની રાજધાનીથી લગભગ આઠ કલાકના અંતરે આવેલા છે. વધુમાં, આ વિસ્તારો બેનિન સરહદની નજીક છે અને રસ્તા અને સંદેશાવ્યવહારની નબળી સુવિધાઓ છે. નબળી કનેક્ટિવિટી રાહત અને બચાવ કામગીરીમાં નોંધપાત્ર અવરોધ ઉભો કરી રહી છે.
સુરક્ષા દળોની કાર્યવાહીના વિરોધમાં કરાયો હુમલો
ક્વારા રાજ્યના ગવર્નર અબ્દુલ રહેમાન અબ્દુલ રઝાકે આ હુમલાની સખત નિંદા કરી, તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું. ગવર્નરના જણાવ્યા મુજબ, આ હુમલો રાજ્યમાં ચાલી રહેલા લશ્કરી કાર્યવાહીના પ્રતિભાવમાં હતો, કારણ કે સુરક્ષા દળો આતંકવાદી જૂથો પર કાર્યવાહી ચાલુ રાખે છે. નાઇજીરીયા હાલમાં ગંભીર સુરક્ષા કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશના ઉત્તરપૂર્વ ભાગમાં લાંબા સમયથી ચાલી રહેલ બળવો ફાટી નીકળ્યો છે. ઉત્તરપશ્ચિમ અને ઉત્તર-મધ્ય પ્રદેશોમાં અપહરણ, ખંડણી અને સશસ્ત્ર લૂંટમાં તીવ્ર વધારો થયો છે. આ હિંસાનો ભોગ નાગરિકો બની રહ્યા છે.