રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ એ નવા વર્ષની શરૂઆત પ્રયોગશાળા જ્વેલર્સમાં દરોડા સાથે કરતા શહેર ભરના જ્વેલર્સમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટિગેશન એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જ્વેલર્સ દ્વારા રૂપિયા 2 લાખથી વધુના સોનાના ખરીદ વેચાણના ટ્રાન્ઝેક્શન છુપાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. બે દિવસની તપાસના અંતે અધિકારીઓની ટીમ દ્વારા વેચાણના બીલો સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં મોટી ખરીદી કરનાર ગ્રાહકોની યાદી બનાવવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેમને ત્યાં પણ દરોડા પડે તો નવાઈ નહીં.
બે લાખથી વધુની ખરીદી કરનાર ગ્રાહકોની ઇન્કમટેક્સ વિભાગને આપવી ફરજિયાત હોય છે. પરંતુ પ્રયોશા જ્વેલર્સ દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શન છુપાવવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.રાજકોટમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ઘણા બધા લોકો પોતાની આવક છુપાવી અને રિટર્ન ફાઇલ કરતા હોવાનું ઇન્કમટેક્સ વિભાગના ધ્યાનમાં આવ્યું છે. જેથી ઇન્કમટેક્સની ચોરી કરનારા મોટી આવક ધરાવનારા લોકો પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. જેથી પ્રયોશા જ્વેલર્સના સંચાલકો પાસેથી આવકવેરાની માહિતી છુપાવનારા ગ્રાહકોનો અલગ ડેટા પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે પ્રયોશા જ્વેલર્સના કોટેચા ચોકના શોરૂમ તેમજ પેલેસ રોડ પરના શોરૂમમાં દોઢ દિવસ તપાસ હાથ ધરીને ઇન્કમટેક્સના ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ દ્વારા રૂપિયા 2 લાખથી વધુની સોનાની ખરીદી કરનાર ગ્રાહકોના બિલો, જ્વેલર્સના નાણાકીય ટ્રાન્જેક્શન, અને જ્વેલર્સ તેમજ ગ્રાહકોની આવકના રિટર્ન સહિતની તપાસ હાથ ધરી આવક છુપાવનાર ગ્રાહકોની અલગ યાદી બનાવવામાં આવી રહી છે. જેથી ભવિષ્યમાં મોટા માથાઓને ત્યાં ધરોડા પડે તો નવાઈ નહીં.
પ્રયોશા જ્વેલર્સમાં રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે આ તપાસ અમદાવાદના ઇન્વેસ્ટિગેશન વિભાગના ડાયરેક્ટર અખિલેન્દ્ર પ્રતાપ યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષના પ્રારંભમાં સમગ્ર ગુજરાતમાં જ્વેલર્સ પર આ પ્રથમ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્કમટેક્સ વિભાગ હેઠળ ઇન્વેસ્ટિગેશન અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિંગ નવાજ કાર્યરત થયા છે. રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દરોડા પાડી અને બોહડા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કરી આ વિંગ દ્વારા જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રકારની તપાસ માત્ર રાજકોટ જ નહીં પરંતુ દેશમાં પ્રથમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.