BREAKING NEWS

ચેતેશ્વર પુજારાના સાળાનો ભેદી આપઘાતઃ સવારે 9 વાગ્યે ઉઠી પાણી પી ઉપરના રૂમમાં જઈ ફાંસો ખાધો, પત્નીએ દરવાજો ખખડાવતા ખુલ્યો નહીં

  • November 27, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ભારતીય ક્રિકેટના નામાંકિત પૂર્વ ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂજારાના હરિહર સોસાયટીમાં રહેતા સગા સાળાની રહસ્યમય આત્મહત્યાના બનાવે ચકચાર જગાવી છે. મૃતક પાસે રહેલો મોબાઈલ આપઘાતનું રહસ્ય ખોલી શકે પરંતુ તે મોબાઇલ ગુમ હોય પોલીસે મોબાઈલ શોધવા કાર્યવાહી શરૂ કરી છે જો આ મોબાઈલ મળી આવશે તો આપઘાતનું કારણ અને ચોકાવનારી હકીકતો સામે આવી શકે છે.


આપઘાતનું કારણ બહાર આવ્યું નથી 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરના હાર્દ ગણાતા કાલાવડ રોડ અને અમીન માર્ગ વચ્ચે હરિહર સોસાયટીમાં રહેતા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ટેસ્ટ ખેલાડી રાજકોટના ચેતેશ્વર પુજારાના સગા સાળા જીત રસિકભાઈ પાબારી (ઉંમર વર્ષ 30) વાળાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાતની ઘટનામા આપઘાતનું કારણ બહાર નહીં આવતા પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે.


પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું 

હરિહર સોસાયટીમાં સવારે 9:00 વાગ્યા આસપાસ જીતે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેને બેભાન હાલતમાં સારવાર અર્થે વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજ્યાનું જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ જીત પાબારીએ આત્મહત્યા કરી લીધાના સમાચાર તેના બનેવી એવા ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારાને જાણ કરવામાં આવી હતી જે ગુહાટીમાં ચાલતા ક્રિકેટ મેચ જોવા ગયો હતો ત્યાંથી તાબડતોબ સાળાના મૃત્યુના સમાચાર મળતા રાજકોટ આવવા રવાના થયો હતો.


જીતનો મોબાઈલ કોણે ગુમ કર્યો?

મૃતક જીત પાબારીએ એવું તે શું થયું કે તેને આ પગલું ભરવું પડ્યું? આ પગલું ભરવા પાછળના કારણથી પરિવાર પણ અજાણ હોય માલવીયાનગર પોલીસ માટે આ તપાસ પડકારરૂપ હાલ તો સાબિત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે આત્મહત્યાનું પગલું ભર્યું ત્યારે એક વાત એવી વહેતી થઈ હતી કે સુસાઇડ નોટ જીતે લખેલી છે. પરંતુ ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી માલવીયાનગર પીઆઇ સહિતના અધિકારીઓએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે પોલીસ પાસે એવી કોઈ સુસાઇડ નોટ મળી નથી પરંતુ જીત પાબારીનો મોબાઈલ જે આપઘાતના કારણ ઉપરથી પડદો ઊંચકી શકે તેમ હોય પરંતુ તે મોબાઇલ ગુમ છે, તે પણ અનેક સવાલો ઊભા કરે છે, જીતનો મોબાઈલ કોણે ગુમ કર્યો? શા માટે? મોબાઈલ ગુમ થવા પાછળનું કારણ શું? સહિતના મુદ્દા પોલીસ માટે અતિ મહત્વની તપાસનો વિષય બની ગયો છે.


જીતનું વર્તન પરિવારજનોને નોર્મલ લાગ્યું, ડિપ્રેશનમાં હોય તેવું લાગતું ન હતું!

ચકચારી આત્મહત્યા પ્રકરણમાં જીત પાબારીના માતા પિતા તેમજ પત્ની ને પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી હતી ત્યારે તે ડિપ્રેશનમાં હોય તેવું લાગતું હતું તેવું પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બનાવની આગલી રાત્રે બધા સાથે બેઠા હતા પરંતુ જીત કોઈ મોટી તકલીફમાં હોય કે ડિપ્રેશન માં હોય તેવું લાગતું નહોતું દરરોજની માફક નોર્મલ વર્તન જણાતું હતું છતાં આવું પગલું કેમ ભર્યું તે પરિવારને પણ સમજાતું ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application