રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૧ થી વર્ગ-૩ સુધીના અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ તેમની સ્થાવર જંગમ મિલકતો સહિતની સંપતિની વિગતો સાથેનું મિલકતોનું પત્રક આગામી તા.૩૧ જાન્યુઆરી સુધીમાં જમા નહીં કરાવે તો પગાર અટકશે. અલબત્ત આ વર્ષે આ કાર્યવાહી માટે ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના કડક સૂચનાઓ સાથે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વર્ગ-૧ થી ૩ના તમામ અધિકારી, ઇજનેર અને કર્મચારી સહિતનાઓ માટે મિલકતોના વાર્ષિક પત્રક સંદર્ભે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. કેલેન્ડર વર્ષ-૨૦૨૫ દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકત દર્શાવતા પત્રકો આગામી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ઓનલાઇન જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્યના વહીવટી વિભાગના જણાવ્યા અનુસાર, તમામ કર્મચારીઓએ આ વિગતો તા.૧.૧.૨૦૨૬ થી તા.૩૧.૧.૨૦૨૬ સુધીમાં બનતી ત્વરાએ કર્મયોગી પોર્ટલ ઉપર ઓનલાઇન જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા નિયત ફોર્મ અને માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સેવા વર્તણૂંક નિયમો-૧૯૭૧ના નિયમ-૧૯ હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે. જે મુજબ, દરેક કેલેન્ડર વર્ષ પૂરું થયા બાદ જાન્યુઆરી માસમાં મિલકતોનું પત્રક સરકારમાં જમા કરાવવું અનિવાર્ય છે.
તેમજ અગાઉ આ નિયમ ઉચ્ચ અધિકારીઓ માટે હતો, પરંતુ વર્ષ ૨૦૨૪થી વર્ગ-૩ ના કર્મચારીઓને પણ આ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમયમર્યાદામાં પોતાની મિલકતોનું પત્રક ઓનલાઇન સબમિટ નહીં કરે, તો તેમનો પગાર અટકાવવામાં આવશે. વહીવટી તંત્રમાં શિસ્ત અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
કર્મચારીઓએ તેમની માલિકીના મકાન, જમીન (સ્થાવર મિલકત) તેમજ વાહન, સોનું, શેરબજાર કે અન્ય રોકાણો (જંગમ મિલકત) ની વિગતો આપવાની રહેશે. આ પ્રક્રિયાથી સરકાર પાસે કર્મચારીઓની વર્ષ દરમિયાનની મિલકતમાં થયેલા વધારા-ઘટાડાનો સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારના આ આદેશથી હવે તમામ વિભાગોના કર્મચારીઓએ જાન્યુઆરી માસમાં જ પોતાની મિલકતોની વિગતો ફાઈલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ ન રહે તે માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો અભ્યાસ કરવા પણ સુચના અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૧૦ પછીથી સરકારી કર્મચારીઓ માટે તેમની સ્થાવર જંગમ મિલકતો જાહેર કરવાનો ઉપરોક્ત નિયમ અમલી બન્યો છે. નિયમ અમલી બન્યો તેના પ્રથમ વર્ષે કડક કાર્યવાહી થઇ પછી રાબેતા મુજબ થઇ ગયું મતલબ કે આ માટે જે કડકાઈ દાખવવી જોઈએ તે નહીં દાખવવામાં આવતા હોતા હૈ ચલતા હૈ ની માફક અમલવારી ચાલુ રહી, આ નિયમ અમલી બન્યાના થોડા વર્ષ પછી વર્ગ ૧ અને ૨ ઉપરાંત વર્ગ-૩નો પણ તેમાં ઉમેરો કરાયો છે. એકંદરે ફ્ક્ત રાજકોટ મહાપાલિકા જ નહીં પરંતુ રાજ્ય સરકાર હેઠળના તમામ સરકારી વિભાગોને ઉપરોક્ત આદેશ લાગુ પડે છે.