ગુજરાતના બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપતા અનેક મહત્વપૂર્ણ પ્રાવધાનો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વેરા ઘટાડાના પગલાંઓના પરિણામે એક જ વર્ષમાં અંદાજે રૂ.૧૧ હજાર કરોડ જેટલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાભ ગુજરાતીઓને મળશે તેવી જાહેરાત કરી છે. આ નિર્ણયથી વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય કરદાતાઓને સીધો આર્થિક લાભ મળશે.
આ ઉપરાંત, જીએસટી નોંધણી પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. નવી જીએસટી રજિસ્ટ્રેશન યોજનામાં જો અરજદાર દર મહિને રૂ.૨.૫ લાખ સુધીની વેરા રકમ પાસ ઓન કરે છે, તો તેને માત્ર ૩ દિવસમાં જ જીએસટી નંબર આપવામાં આવશે. નોંધણી પ્રક્રિયાની ઝડપ વધારવાથી નવા ઉદ્યોગોને ઝડપથી વ્યવસાય શરૂ કરવાની તક મળશે.
સરકાર દ્વારા કરદાતાઓની વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય તે માટે રિફંડ પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવામાં આવી છે. જોખમના મૂલ્યાંકનના આધારે મંજૂર થયેલા રિફંડમાંથી ૯૦ ટકા રકમ માત્ર ૭ દિવસમાં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચૂકવવામાં આવશે. આ પગલાથી નિકાસકારો અને ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત એકમોને રોકડ પ્રવાહમાં સરળતા મળશે અને વ્યવસાયિક ગતિ વધશે.
રાજ્ય સરકારનું માનવું છે કે આ સુધારાઓથી વેપાર માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે અને રોકાણને પ્રોત્સાહન મળશે. ઝડપી રિફંડ અને સરળ નોંધણીથી નાના-મધ્યમ ઉદ્યોગોને વિશેષ લાભ થશે. સરકારના દાવા મુજબ આ પગલાં ગુજરાતને વધુ બિઝનેસ-ફ્રેન્ડલી રાજ્ય તરીકે મજબૂત બનાવશે અને અર્થતંત્રને નવી ગતિ આપશે.
મોરબી, સુરેન્દ્રનગર, ભૂજમાં રજિસ્ટ્રેશન વ્યવસ્થા ઉભી કરાશે
વેપારીઓની સુવિધાઓ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણ બાબતે જામનગરના વેપારીઓએ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જૂનાગઢ આવવુ પડતું હતું. તેઓને અગવડતા પડતી હતી અને સમયનો વ્યય થતો હતો. તેવા વેપારીઓની સુવિધા માટે જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬થી જામનગર ખાતે અઠવાડીયામાં બે દિવસ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ સુવિધાઓનો વ્યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ તેમજ પાટણ ખાતે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.