રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગોંડલ તાલુકાના રીબડા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે ઉમિયા ગેટ નંબર-4 ની અંદર આવેલી સાંઈપ્રેમ ગેસ એજન્સી પર દરોડા પાડ્યા હતા. અહીં ગેસ સિલિન્ડરની કાળાબજારી અને જોખમી રીતે રિફિલિંગ કરવાનું રેકેટ ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
લોકોની જિંદગી જોખમમાં મૂકી કરાતું હતું રિફિલિંગ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ એજન્સીમાં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો કે નિયમોનું પાલન કર્યા વિના જ અનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગનું કામ કરવામાં આવતું હતું. અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે રહેણાંક અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારની નજીક આ જોખમી કામગીરી ચાલતી હતી. આરોપીઓ ઓછો ગેસ ભરીને અથવા ગેરકાયદેસર રીતે સિલિન્ડર વેચીને કાળાબજારી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
600 સિલિન્ડર સાથે સમગ્ર ગોડાઉન સીઝ
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કંપનીના નાના અને મોટા મળીને કુલ 600 નંગ એલ.પી.જી. ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જેમાં ભરેલા અને ખાલી બંને પ્રકારના સિલિન્ડરનો સમાવેશ થાય છે. પોલીસે આ સમગ્ર ગોડાઉનને સીઝ કરી દીધું છે અને તમામ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાર શખ્સોની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય પોલીસે આ કાળાબજારીના રેકેટમાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો આ નેટવર્ક ક્યારથી ચલાવતા હતા અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. રીબડા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર મળી આવતા સ્થાનિક તંત્રમાં પણ ફફડાટ મચી ગયો છે.