ઈરાનમાં ચાલી રહેલી તંગદિલી અને બદલાતા ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને ભારતની સૌથી મોટી ખાનગી એરલાઈન ઈન્ડિગો (IndiGo) એ મુસાફરોની સુરક્ષા માટે મોટું પગલું ભર્યું છે. એરલાઈને મંગળવારે એક મહત્વપૂર્ણ ‘ટ્રાવેલ એડવાઈઝરી’ જારી કરીને જાહેરાત કરી છે કે ઈરાનની આસપાસના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરતા અનેક આંતરરાષ્ટ્રીય રૂટ્સ પરની ફ્લાઈટ્સ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી રદ કરવામાં આવી છે.
મુસાફરો અને ક્રૂની સુરક્ષા સર્વોપરી
ઈન્ડિગોએ જણાવ્યું છે કે આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મુસાફરો અને ફ્લાઈટ ક્રૂ મેમ્બર્સની સલામતી સુનિશ્ચિત કરવાનું છે. ઈરાનની આસપાસની સ્થિતિ હાલ અસ્થિર હોવાથી હવાઈ મુસાફરીમાં જોખમ ન લેવા માટે એરલાઈને ફ્લાઈટ શેડ્યૂલમાં મોટા ફેરફારો કર્યા છે.

કયા શહેરોની ફ્લાઈટ્સ પર પડી અસર?
એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર સત્તાવાર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે નીચેના ચાર મુખ્ય શહેરોની ફ્લાઈટ્સ ૨૮ ફેબ્રુઆરી સુધી સ્થગિત રહેશે:
ત્બિલિસી (Tbilisi)
અલ્માટી (Almaty)
બાકુ (Baku)
તાશ્કંદ (Tashkent)
ઈન્ડિગોએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, "ઈરાન આસપાસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે અમારા ગ્રાહકો માટે એક સુરક્ષિત અને અવરોધરહિત અનુભવ સુનિશ્ચિત કરવા માટે ફ્લાઈટ શેડ્યૂલમાં વધારાના ફેરફારો કર્યા છે."