અમદાવાદ: ક્રિકેટના મહાકુંભ સમાન ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ હાઈ-પ્રોફાઈલ મુકાબલાને જોતા અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધ કરવામાં આવ્યા છે. સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત બંદોબસ્ત સાથે NDRF અને BDDS જેવી ખાસ ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.
સુરક્ષાનો 'ચક્રવ્યૂહ': 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત
ફાઈનલ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડવાની શક્યતાને પગલે પોલીસ વિભાગ એક્શન મોડમાં છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે:
ઉચ્ચ અધિકારીઓ: 1 JCP, 7 DCP, 10 ACP અને 25 PI બંદોબસ્તનું નેતૃત્વ કરશે.
ફોર્સ: 78 PSI અને 1470 જેટલા પોલીસકર્મીઓ સ્ટેડિયમના વિવિધ પોઈન્ટ્સ પર ખડેપગે રહેશે.
ખાસ ટીમો: કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ)ની 4 ટીમો અને NDRFની 1 ટીમ સ્ટેડિયમમાં હાજર રહેશે.
મોનિટરિંગ: સમગ્ર સ્ટેડિયમમાં લાગેલા 270 હાઈ-ડેફિનેશન કેમેરા દ્વારા સ્પેશિયલ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખવામાં આવશે.
ટ્રાફિક પ્લાન: કયા રસ્તા બંધ અને કયા વૈકલ્પિક?
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર પોલીસ દ્વારા સવારે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી કેટલાક માર્ગો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પ્રતિબંધિત માર્ગ
જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી અને મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી અને પાવર હાઉસ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડથી એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
પાર્કિંગ અને એન્ટ્રી વ્યવસ્થા
સ્ટેડિયમની આસપાસ આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 16 ટ્રાફિક ક્રેન દ્વારા નો-પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનોને ટોઈંગ કરવામાં આવશે. આ ઉપરાંત, ગેટ નંબર 1 પાસે ભીડને નિયંત્રિત કરવા માટે 100 મીટર અગાઉથી જ બેરિકેટીંગ કરી દેવામાં આવ્યું છે જેથી પ્રેક્ષકો સુવ્યવસ્થિત રીતે પ્રવેશ મેળવી શકે.
ટ્રાફિક નિયમન માટે 744 અધિકારીઓ અને જવાનો કાર્યરત છે, જેમાં TRB જવાનોનો પણ સમાવેશ થાય છે. પોલીસ પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મેચનો આનંદ માણવાની સાથે પોલીસને સહકાર આપે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.