BREAKING NEWS

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘા

  • April 01, 2026 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાત સરકાર જનહિતના નિર્ણયોમાં હંમેશા અગ્રેસર રહી છે. આ કડીમાં એક વધુ સુવર્ણ પ્રકરણ ઉમેરતા, રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર ૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા-૧૯૪૭’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ ઐતિહાસિક વટહુકમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ ૧૯૪૮થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર ‘રેગ્યુલાઈઝ’ (વિનિયમિત) કરવામાં આવશે.  પરંતુ હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે.

અત્યાર સુધી જંત્રીના ૧૦ ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત  અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવાયો છે કે, હવેથી ૧૦ ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે.

શહેરીકરણની ઝડપને ધ્યાને રાખીને, મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોને આ ‘ટુકડા ધારા’માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી સર્વાંગી વિકાસને વેગ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ઉમેર્યું હતું કે, સેટલમેન્ટ કમિશનર બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. ડબલ એન્જિન સરકારના આ નિર્ણયથી જનતાના આશીર્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને મળશે. આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે અને જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો કાયમી અંત આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application