રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની જગ્યાઓ માટે શારીરિક પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પુરૂષ ઉમેદવારો માટે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક પરીક્ષા યોજાશે. મહિલા અને પૂર્વ સૈનિક ઉમેદવારો માટે 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. PSIની 858 જગ્યા, LRDની 12,733 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા
(૧) પો.સ.ઇ. કેડરની ૮૫૮ જગ્યાઓ અને લોકરક્ષક કેડરની ૧૨૭૩૩ જગ્યાઓ મળી કુલ-૧૩૫૯૧ જગ્યાઓની ભરતી માટે જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
(ર) આ જાહેરાત અન્વયે ૧૦ લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત ૧૫ (પંદર) શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test (PET)) અને શારીરિક માપ કસોટી (Physical Standard Test (PST)) માટે તા.૨૧.૦૧.૨૦૨૬થી બોલાવવામાં આવેલ છે.
(૩) ૧૧ (અગીયાર) ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા.૨૧.૦૧.૨૦૨૬ થી તા.૧૩.૦૩.૨૦૨૬ સુધી તથા ૪ (ચાર) ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.૨૧.૦૧.૨૦૨૬ થી તા.૦૬.૦૩.૨૦૨૬ સુધી શારીરિક કસોટી યોજવામાં આવેલ છે.
(૪) દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં ૯૦ કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવેલ છે.
(૫) શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે.
(૬) દોડ કસોટી દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે.
(૭) શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નિગરાની હેઠળ કરવામાં આવનાર છે.
(૮) શારીરીક માપ કસોટીમાં પુરૂષ ઉમેદવારોની ઉંચાઇ / છાતીની માપણી તથા મહિલા ઉમેદવારોની ઉંચાઇની માપણી આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ ધ્વારા કરવામાં આવનાર છે.
(૯) તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.
(૧૦) પુરૂષ ઉમેદવારોએ ૫૦૦૦ મીટરની દોડ ૨૫ મીનીટમાં, મહિલા ઉમેદવારોએ ૧૬૦૦ મીટરની દોડ ૯ મીનીટ ૩૦ સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ ૨૪૦૦ મીટરની દોડ ૧૨ મીનીટ ૩૦ સેકન્ડમાં પુરી કરવાની રહેશે.
(૧૧) અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ ૧૬૨ સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ ૧૬૫ સે.મી. હોવી જોઇએ.
(૧૨) અનુસુચિત જનજાતિ(ST)ના મહિલા ઉમેદવારની ઉંચાઇ ૧૫૦ સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના મહિલા ઉમેદવારની ઉંચાઇ ૧૫૫ સે.મી. હોવી જોઇએ.
(૧૩) તમામ પુરૂષ ઉમેદવારોની છાતીનું માપ ઓછામાં ઓછુ ૭૯ સે.મી. થી ૮૪ સે.મી. હોવુ જોઇએ. એટલે કે છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ સે.મી. હોવો જોઇએ.
(૧૪) પો.સ.ઇ. કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેને સમકક્ષ તથા લોકરક્ષક કેડરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ રાખવામાં આવેલ છે.