રાજકોટમાં મંગળારોડ પર સરાજાહેર ફાયરિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરનાર મુરધા ગેંગના વધુ એક આરોપીને એસઓજીએ ઝડપી લીધો હતો, ફાયરીંગ કરી નાસી છૂટેલા મુખ્ય સૂત્રધાર સંજય ઉર્ફે સંજલાને મોરબીમાં ઝડપાયેલ સૂત્રધાર ઇમરાન જેડાએ બે દિવસ આશરો આપ્યો જેથી મદદગારી કરનાર આરોપીની ધરપકડ કરી ત્રણ દિવસના રીમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગત તા.૨૯ ઓક્ટોબરના રોજ શહેરના મંગળા રોડ પર જૂની અદાવતમાં પેંડા અને મુર્ગા ગેંગ દ્વારા સામસામે સરાજાહેર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે મામલે પોલીસ એકશનમાં આવી હત્યાની કોશીષ સહીતનો ગુનો નોંધવામા આવ્યો હતો. જેમાં એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાને સોંપવામાં આવેલ તપાસમાં પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને મુરધા ગેંગનો સમીર ઉર્ફે મુરધો પઠાણ સહિતના સામે ગુનો નોધી અગાઉ બંને ગેંગના કુલ ૩૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે વધુ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. દરમિયાન ફાયરિંગ કરી નાસી છૂટેલા મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરના સંજય ઉર્ફે સંજલાને મોરબીમાં આશરો ઇમરાન ઈકબાલ જેડા નામના શખ્સે આપ્યાનું સામે આવતાં પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ વિ.વી.ધ્રાંગુ અને ટીમે આરોપી ઇમરાન ઈકબાલ જેડા ઉ.વ.૩૨,રહે.લાતી પ્લોટ શેરી નં.૧૨, મોરબીને પકડી પાડી કાર્યવાહી કરી હતી.
એસઓજી સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સે સંજય ઉર્ફે સંજલાને મોરબીમાં બે દિવસ આશરો આપ્યો હતો. વધું તપાસ માટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતાં તપાસનો ધમધમાટ એસઓજીની ટીમે આદર્યો છે. અગાઉ જંગલેશ્વર વિસ્તારમાંથી ત્રણ હથિયારો સાથે મળી આવેલ થાર કાર મુકવા જનાર શખ્સ મયુર ઉર્ફે મયલો બાબુભાઈ પરમાર (ઉવ 40 રહે. દેવપરા, કોઠારીયા રોડ ) નો ગોંડલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે બંને પેંડા અને મુર્ગા ગેંગના કુલ ૩૫ આરોપીની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર સંજલાને પકડવા તજવીજ હાથ ધરી છે.