BREAKING NEWS

અમદાવાદમાં ઢોસાના ખીરાથી બે બાળકીના મોત મામલે એકનો દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો, પીએમ માટે ખસેડાયો

  • April 07, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મારુતિ પ્લાઝા સોસાયટીમાં એક જ પરિવારની બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે આજે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઢોસાનું તૈયાર ખીરું ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાના આક્ષેપો વચ્ચે આ કેસમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. પોલીસે એફએસએલ ટીમની હાજરીમાં અઢી મહિનાની બાળકીના દફનાવેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફરીથી બહાર કાઢ્યો હતો.


ઘટનાની વિગતો મુજબ, વિમલભાઈ પ્રજાપતિ ગત છ એપ્રિલના રોજ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસા બનાવવાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા રાત્રે આખા પરિવારે ખાધા હતા. ભોજનના થોડા જ સમય બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તેમને ઉલટી-ઉબકા જેવી ગંભીર અસરો થવા લાગી હતી. આ ઝેરી અસર એટલી પ્રબળ હતી કે ચાર વર્ષની બાળકી મીશ્રી અને માત્ર અઢી મહિનાની બાળકી રાહાના કરુણ મોત નીપજ્યા હતા. હાલમાં બાળકીના પિતા વિમલભાઈ અને માતા ભાવનાબેન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.


ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ મીડિયાને જણાવ્યું હતું કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમે વૈજ્ઞાનિક પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે અઢી મહિનાની બાળકી રાહાના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જેનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મોટી બાળકી મીશ્રીના પીએમ રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ ન થતા હવે એફએસએલના અભિપ્રાયની રાહ જોવામાં આવી રહી છે.


બીજી તરફ જે 'ઘનશ્યામ ડેરી'માંથી ખીરું લાવવામાં આવ્યું હતું, તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા પરિવારના સભ્યોના કોલ ડિટેલ રેકોર્ડ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.


પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના સામૂહિક આપઘાતનો પ્રયાસ છે કે પછી ખરેખર અકસ્માતે ઝેરી ખોરાક ખાવાથી આ કરૂણાંતિકા સર્જાઈ છે, તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ઝેરની હાજરી સીધી રીતે પ્રસ્થાપિત ન થતા કેસ વધુ જટિલ બન્યો છે. આ ઘટનાને પગલે ચાંદખેડા વિસ્તારના રહીશોમાં તૈયાર ખાદ્યપદાર્થોને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે લોકો સમય બચાવવા માટે બહારથી તૈયાર ખીરું લાવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં બે માસૂમ જીવ જવાથી લોકોમાં રોષ અને ડર જોવા મળી રહ્યો છે.


હાલમાં પોલીસ એફએસએલના રિપોર્ટ અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા માતા-પિતાના નિવેદનની રાહ જોઈ રહી છે. વૈજ્ઞાનિક તપાસના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે બે માસૂમ કળીઓ કયા કારણે કરમાઈ ગઈ. પરિવારના સભ્યોની પૂછપરછ અને ટેકનિકલ પુરાવાઓ જ આ રહસ્યમય મોત પરથી પડદો ઉઠાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application