BREAKING NEWS

પિતાએ દીકરાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો, લાશ ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી, 37 દિવસે ભેદ ઉકેલાયો, કારણ જાણશો તો ચોંકી જશો

  • January 02, 2026 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના ધારી તાલુકાના ભાડેર ગામમાં ગઈકાલે માનવ કંકાલ મળ્યું હતું. જેનો પોલીસે કબ્જો લઈ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પિતાએ જ સગા દીકરાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું છે. 


મળતી માહિતી મુજબ, ધારી તાલુકાના ભાડેર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વશરામ સેંજળિયાના બે પુત્રો પૈકી એક પુત્ર રાજકોટ ખાતે રહે છે. જ્યારે બીજો 25 વર્ષીય હિતેશ તેમની સાથે રહેતો હતો. જે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને દરરોજ દારૂ પીને ઘરે આવીને બબાલ કરતો હતો. આ દરમિયાન ગત 24 નવેમ્બર 2025ના રોજ દરરોજની જેમ હિતેશ દારૂ પીને ઘરે આવ્યો હતો અને માતા સાથે ઝઘડો કરીને અભદ્ર માંગણી કરતો હતો.


ખેતરના સેંઢે લઇ જઇ ખાડો ખોદીને દાટી દીધી

આ દરમિયાન હિતેશના પિતા વશરામ સેંજળીયા ઘરે આવી જતાં તેમણે પુત્રને સમજાવ્યો હતો, પરંતું દારૂના નશામાં હિતેશ માતા-પુત્રના સંબંધ ભૂલીને અભદ્ર માંગણી કરતો હતો, જેથી ગુસ્સામાં વશરામ સેંજળીયાએ પોતાના ઘરમાં જ ગળેટૂંપો આપીને હિતેશની હત્યા કરી દીધી હતી અને બાદમાં લાશને પોતાના જ ખેતરના સેંઢે લઇ જઇ ખાડો ખોદીને દાટી દીધી હતી.


ખેતરમાં પંચોની હાજરીમાં કંકાલ દેખાયું

આ ઘટના બાદ પરિવાર રુટિન જીવન જીવી રહ્યો હતો, પરંતું ગત 31 ડિસેમ્બરના રોજ વશરામ સેંજળીયાના ખેતરની બાજુમાં આવેલા ખેતર માલિકે ખેતરના સેંઢે કંકાલ જોતા પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે, સાહેબ મારા પાડોશી વશરામ સેંજળીયાના ખેતરમાં લાશ જેવું કંઇક કંકાલ દેખાય છે. જેથી પહેલી જાન્યુઆરીની વહેલી સવારે ધારી પોલીસ મથકનો સ્ટાફ ભાડેર પહોંચ્યો હતો અને વશરામ સેંજળીયા ખેતરમાં પંચોની હાજરીમાં કંકાલ દેખાયું ત્યાં ખોદકામ કરતા લાશ મળી આવી હતી.


વશરામ સેંજળીયાની ધરપકડ 

યુવકની ડિકમ્પોઝ લાશ મળતા પોલીસે લાશને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ. માટે ખસેડીને પરિવારની પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને ગોળગોળ ફેરવ્યા બાદ વશરામ સેંજળીયાએ પુત્રની હત્યા કંટાળીને કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે વશરામ સેંજળીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application