પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો અને વિશ્વાસના ધજાગરા ઉડાવતા આ કિસ્સામાં, એક નરાધમે પોતાની ધર્મની બહેનની દસ વર્ષની માસૂમ પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ કમકમાટીભરી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સગીરા ગર્ભવતી હોવાનું તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિક પરિવારની દસ વર્ષની બાળકી સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ખેતમજૂરી કરતા આદિવાસી પરિવાર પર વિશ્વાસઘાત અને અત્યાચારનો આ પહાડ કોઈ પારકાએ નહીં, પણ પરિવાર જેને 'ધર્મનો ભાઈ' માનતો હતો તેવા શખસે તોડ્યો છે.
મૂળ બનાસકાંઠાના દાંતા તાલુકાનો વતની એક આદિવાસી પરિવાર પેટિયું રળવા માટે ચાણસ્માના એક ગામમાં બોર પર રહીને ખેતમજૂરી કરે છે. આશરે પાંચ મહિના પહેલાં બાળકીની માતાએ સેવાળા ગામના વતની ટીના નામના શખસને પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો હતો. બહેન-ભાઈના પવિત્ર સંબંધને કારણે ટીનો અવારનવાર શ્રમિક પરિવારના ઘરે આવતો-જતો હતો.
પરિવારને ક્યાં ખબર હતી કે જે વ્યક્તિને તેઓ ભાઈ માનીને ઘરમાં પ્રવેશ આપી રહ્યા છે, તેની નજર તેમની માસૂમ પુત્રી પર બગડેલી છે. આરોપી ટીનોએ છેલ્લા પાંચ માસ દરમિયાન જ્યારે સગીરા ઘરે એકલી હોય ત્યારે તેની એકલતાનો લાભ લઈ ચારથી પાંચ વખત તેની સાથે જબરદસ્તી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ગત રાત્રે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. ગભરાયેલી માતાએ બોરના માલિકને જાણ કરી, જેમણે તાત્કાલિક ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ જ્યારે સગીરાની તપાસ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે દસ વર્ષની માસૂમ ચાર માસની ગર્ભવતી હતી.
સારવાર દરમિયાન સગીરાનો ગર્ભપાત થઈ ગયો હતો. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, જ્યારે દીકરીને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે ગર્ભપાત થઈ ચૂક્યો હતો. હાલ બાળકીની સ્થિતિ સ્થિર છે અને તે સારવાર હેઠળ છે.
આ આઘાતજનક સમાચાર સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે પુત્રીને પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે રડતાં રડતાં આપવીતી સંભળાવી કે 'મામા' કહેવાતા ટીનાએ તેની સાથે અનેકવાર જબરદસ્તી કરી હતી. હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ચાણસ્મા પોલીસને જાણ કરી હતી.
પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી ટીનો વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર સગીરા આદિવાસી સમાજની હોવાથી કેસની ગંભીરતાને જોતા તેની તપાસ એસસી.એસટી સેલના ડીવાયએસપી પરેશ રેણુકાને સોંપવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.