શહેરમાં રહેતા પરિવાર ૧૭ વર્ષની છાત્રા જેને માસા કહેતી હતી તેણે જ જાતિય સતામણી કર્યા અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી અવાર નવાર સગીરાના પિતા પાસે બેસવા જતો હોય જેથી સગીરા સાથે પરિચય થયો હતો. બાદમાં આરોપી ફ્રેન્ડશીપ રાખવા માટે દબાણ કરી અવારનવાર બોલાવી પજવણી કરતો હોય જેથી આ અંગે સગીરાના પિતાની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સગીરાના પિતાએ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિવ્યેશ મનસુખ બુસા (ઉ.વ.૨૫, રહે. ખોડલધામ સોસાયટી, મોરબી રોડ જકાતનાકા પાસે) નું નામ આપ્યું છે.
છાત્રાના પિતાએ પોલીસને જણાવ્યું, કે આરોપી સાથે તેને મિત્રતાનો વહેવાર છે. જેથી તેના સંતાનો તેને માસા કહે છે. ગઈ તા.૧૧ના રોજ રાત્રે પરિવારના સભ્યો સાથે હોટલમાં જમવા ગયા હતા ત્યારે તેની પુત્રીના મોબાઈલમાં આરોપીનો કોલ આવ્યો હતો. જે જોઈ તેને આશ્ચર્ય થયું હતું.જેથી પુત્રીને પૂછતાં કહ્યું કે આરોપી તેને અવાર-નવાર કોલ કરી ગત જન્માષ્ટમીના તહેવારોથી હેરાન કરે છે. એટલું જ નહીં ફ્રેન્ડશિપ રાખવા કહે છે. કોલેજ જાય ત્યારે કોલ કરી રેસકોર્સ પરના કેફેમાં ઉપરાંત બાલભવન પાસે રેસકોર્સ રોડ પરના કેફેમાં બોલાવી એક વખત તેનો ફોટો પણ પાડી લીધો હતો. પુત્રીની આ વાત સાંભળી પિતા ચોંકી ઉઠયા હતા. પરિવારજનોને જાણ કર્યા બાદ આખરે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસે તાત્કાલિક આરોપીને સકંજામાં લીધો હતો.આરોપી પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરે છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,આરોપી દિવ્યેશના કરતૂતની તેની પત્નીને જાણ થતાં તે ચારેક દિવસ પહેલાં સાડા ચાર વર્ષના પુત્રને મુકી જતી હતી.જેથી આજે પોલીસે દિવ્યેશની ધરપકડ કરતાં તે પુત્રને લઈને પોલીસ સ્ટેશને આવ્યો હતો. પોલીસે તેના પુત્રને સંબંધીઓને સોંપી દીધો હતો.આ સમગ્ર ઘટના મામલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા અને રાઇટર નિલેશભાઈ મકવાણા તપાસ ચલાવી રહ્યા છે