BREAKING NEWS

વડોદરામાં યુવતીએ મંગતરને દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતર્યો, ત્રણ દિવસ સુધી પોલીસને ચકરાવે ચડાવી

  • January 02, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરામાં ફિલ્મને ટક્કર આપે એવી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો છે. રેલવેમાં નોકરી કરતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ સગાઈ કરી હતી. 29 ડિસેમ્બરે યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગતેરનું ગળું દબાવી કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવ બાદ યુવતીએ પોલીસને ત્રણ દિવસ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટે ભાંડો ફોડી દીધો હતો અને યુવતીએ જ હત્યા કર્યાનું ખુલ્યું છે. 


મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના રોઝકૂવા ગામનો 23 વર્ષીય યુવક સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધ બાદ બન્નેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી તે સચિન પણ પ્રેમિકા રેખા સાથે રહેવા આવી ગયો હતો. બન્ને ઘણા સમયથી સાથે જ રહેતાં હતાં. આ વચ્ચે રેખાને અન્ય સાથે સંબંધ હોવાની સચિનને આશંકા હતી, જેમાં 29 ડિસેમ્બરે સચિન અને રેખા વચ્ચે થયેલા વિવાદમાં રેખાએ સચિનને લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારે સચિને ફોન કરીને આ બાબતની પિતાને પણ જાણ કરી હતી કે તેને આ લગ્ન નથી કરવા.


આ બાદ સચિન સૂતો હતો તે દરમિયાન જ રેખાએ પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હતી. એ બાદ જાણે તેણે કંઈ કર્યું જ ન હોય એેમ મૌન રહી સચિન ઊંઘમાંથી ઊઠતો ન હોવાની વાત બધાને કરી હતી. બાદમાં સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં સચિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સચિનના સંદિગ્ધ મોતને પગલે પિતા ગણપતભાઈને મંગેતર રેખા સકુભાઈ રાઠવા પર આશંકા જાય છે, કારણ કે એકનો એક નવજુવાન દીકરો ઊંઘમાં કેવી રીતે મોતને ભેટે એ એક સવાલ પિતાના મનમાં ચાલતો હતો.


બાદમાં સચિનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં તેના ગાળાના ભાગે નિશાન મળ્યાં હતાં, જેથી પોલીસને શંકા ગઈ કે તેને ગળાફાંસો આપવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે ઊલટતપાસ હાથ ધરી હતી, જોકે આ હત્યા કરનાર પ્રેમિકાએ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ-ગોળ ફેરવી હતી. બાદમાં તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. હાલમાં આ મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ બનાવ અંગે રેલવે કોલોનીમાં રેખાની બાજુમાં રહેતા દીપકકુમાર શાહે જણાવ્યું હતું કે આ 29 તારીખની ઘટના છે. અમે સીએચસી સેન્ટર પર ગયા હતા અને પરત આવ્યા, ત્યારે તે યુવતી ગેટ ખોલીને આવી અને કહી રહી હતી કે સચિન જાગી નથી રહ્યો. અમે પણ ત્યાં પહોંચ્યા હતા. યુવતી રડી રહી હતી અને યુવકને અમે જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક ઊઠી રહ્યો નહોતો. અમને ખબર પડી ગઈ હતી કે આ મારી ગયો છે. બાદમાં અમે એમ્બ્યુલન્સ બોલાવી અને ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.


સચિનના પિતા ગણપતભાઈ રાઠવાની ફરિયાદ મુજબ, છોટાઉદેપુર જિલ્લાના રોઝકૂવા ગામના રહેવાસી સચિન 2023થી રેખા સાથે પ્રેમસંબંધમાં હતો. મે, 2025માં બંનેની સગાઈ થઈ હતી અને આવતા માર્ચમાં લગ્ન નક્કી થયા હતા. રેખા રેલવેમાં નોકરી કરતી હોવાથી બંને વડોદરાના રેલવે ક્વાર્ટર્સમાં સાથે રહેતાં હતાં. સચિનને રેખાના અન્ય કોઈ યુવક સાથે સંબંધની શંકા હતી અને તે અંગે વારંવાર ઝઘડા થતા. ગત 29 ડિસેમ્બર, 2025ના બપોરે સચિને મને ફોન કરી કહ્યું કે રેખા લગ્ન કરવા ના પાડે છે અને તેને હેરાન કરે છે. થોડીવાર પછી રેખાએ ફોન કરી જણાવ્યું કે સચિન સૂતો છે અને જાગતો નથી. પછી તેણે કહ્યું કે તેને હોસ્પિટલમાં લાવી છું, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો છે.

બાદમાં તેને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રિપોર્ટમાં મોતનું કારણ ગળાફાંસો બતાવાયું હતું. આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં યુવતી પોલીસને ગોળ-ગોળ ફેરવતી હતી. આખરે આ મામલે યુવતીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ યુવતીએ હત્યા શા માટે કરી એ દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application