ભારતમાં ૧૧ ટકા પર્સનલ લોન લેનારાઓને તબીબી કટોકટી અને તબીબી ખર્ચાને કારણે લોન લેવાની ફરજ પડે છે. તાજેતરના અહેવાલ ધ પર્સનલ લોન સ્ટોરી મુજબ, ટાયર-૧ શહેરોમાં આ આંકડો વધીને ૧૪ ટકા થયો છે, જ્યારે ટાયર-૨ શહેરોમાં ૧૦ ટકા અને ટાયર-૩ શહેરોમાં ૮ ટકા લોકોએ આરોગ્ય સંભાળની જરૂરિયાતો માટે વ્યક્તિગત લોન લીધી હતી. આ આંકડા સ્પષ્ટપણે દેશમાં આરોગ્ય વીમાના ઓછા પ્રવેશ અને ઝડપથી વધી રહેલા તબીબી ખર્ચ તરફ નિર્દેશ કરે છે.
આ પૈસાબજાર રિપોર્ટ અનુસાર, આ અભ્યાસ ૨૩ શહેરો અને નગરોમાં ૨,૮૮૯ પર્સનલ લોન લેનારાઓ સાથે ઊંડાણપૂર્વકના ઇન્ટરવ્યુ પર આધારિત છે. તે લોન લેવાના કારણો, નિર્ણય લેવાની પ્રક્રિયા, પ્રાથમિકતાઓ અને ક્રેડિટ જાગૃતિ જેવા મુખ્ય પાસાઓમાં વિગતવાર આંતરદૃષ્ટિ દર્શાવે છે. લોન લેનારાઓએ દૈનિક આવશ્યક ખર્ચ, અણધારી ઘર સમારકામ, લગ્ન સમારંભો અને અન્ય તાત્કાલિક જરૂરિયાતોને વ્યક્તિગત લોન લેવાના મુખ્ય કારણો તરીકે ટાંક્યા.
૪૮ ટકા લોન લેનારાઓએ આવશ્યક ખર્ચ માટે લોન લીધી હતી. ૩૬ ટકા તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે. વ્યવસાય અથવા રોકાણ માટે ૧૬ ટકા જયારે જીવનશૈલી ખર્ચ માટે પણ વ્યક્તિગત લોન લેવાઈ હતી.
ટાયર-૩ શહેરો ટાયર-૧ શહેરો કરતાં દૈનિક જરૂરિયાતો માટે લોન લેવાની શક્યતા ૨.૪ ગણી વધારે છે. સ્વ-રોજગાર ઉપરાંત, ૯ ટકા પગારદાર વ્યક્તિઓ પણ કૌટુંબિક વ્યવસાયો, સાઈડ બિઝનેસ અથવા પેશન પ્રોજેક્ટ્સ માટે વ્યક્તિગત લોન લઈ રહ્યા છે. રૂ ૭.૫ થી ૧૦ લાખની વાર્ષિક આવક ધરાવતા મધ્યમ વર્ગમાં જીવનશૈલી ખર્ચ માટે લોન લેવાનો દર સૌથી વધુ (૪૦ ટકા) છે. ટાયર-૧ શહેરોમાં ૧૪ ટકાની સરખામણીમાં ૧૧ ટકા ઉધાર લેનારાઓએ લગ્ન અને અન્ય સમારંભો માટે લોન લીધી હતી
ઓફલાઈન હજુ પણ પસંદગીની પદ્ધતિ છે. ઓનલાઈન લોન પ્લેટફોર્મની વધતી જતી ઉપલબ્ધતા છતાં, ફક્ત ૩૨ ટકા લોકોએ ઓનલાઈન પર્સનલ લોન લીધી હતી. મોટાભાગના ઉધાર લેનારાઓ હજુ પણ ઓફલાઈન ચેનલો પર આધાર રાખે છે. બીજો તારણ એ હતો કે ૨૫ ટકા ઉધાર લેનારાઓએ અન્ય વિકલ્પો શોધ્યા વિના લોન લીધી હતી. આ આંકડો, ખાસ કરીને જનરલ ઝેડમાં, ૩૧ ટકા સુધી પહોંચ્યો.