BREAKING NEWS

પોરબંદરમાં માત્ર એક મહિનામાં સંસ્થાએ કર્યા ૧૪ માદા શ્ર્વાનના સીઝેરીયન

  • November 24, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મુંગા જીવો માટે સતત કાર્યરત સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટે માત્ર છેલ્લા એકજ મહિનામાં ૧૪ જેટલી માદા શ્ર્વાનના સીઝેરીયન કર્યા છે. સગર્ભા મહિલાઓની જે રીતે ચિંતા કરવામાં આવે છે એ જ રીતે સગર્ભા માદા શ્ર્વાનના પણ જતન અને જાળવણી માટે ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટે અપીલ કરી છે અને જણાવ્યુ છે કે બચ્ચાને જન્મ આપતી હોય ત્યારે અનેક વિસ્તારમાં લોકો લાકડી મારીને ભગાડી દેતા હોવાથી સીઝેરીયનના કિસ્સાઓ વધ્યા છે તેથી શહેરીજનો સહકાર આપે તેવી દર્દભરી અપીલ કરવામાં આવી છે.
સંસ્થાના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ જણાવ્યુ હતુ કે પોરબંદરમાં જીવદયાનું કાર્ય કરતી સંસ્થા ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટમાં ડો. વિજય ખૂંટી અને હેમલ ચાવડાએ છેલ્લા એક મહિનામાં જ માદા શ્ર્વાનના ૧૪ જેટલા સીઝેરીયન  (સી-સેકશન) ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સિવાય  પણ ઘણી બધી માદા શ્ર્વાન કે જેને હોસ્પિટલ સુધી પહોચાડી નથી શકયા તેના મૃત્યુ પણ થયા છે. આટલા બધી  સંખ્યામાં માદા શ્ર્વાન પોતાની જાતે બચ્ચાને જન્મ નથી આપી શકતી તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર  છે. આજકાલ આ અબોલ જીવો પ્રત્યે માણસોની લાગણી, દયા ઘટી રહી છે. તેના લીધે તેના વ્યાજમ સમયે ઘણા લોકો તેની શેરી ગલીમાં બચ્ચાને જન્મ આપવા દેતા નથી. ઘણી વખત તો બચ્ચાને જન્મ આપતી હોય ત્યારે પણ લોકો લાકડી મારી ભગાડે છે. એવા કિસ્સા પણ જોવા મળ્યા છે. બીજુ વાહનવ્યવહારનું પ્રમાણ ખૂબ વધ્યુ છે. પરિણામે અબોલ જીવોના અકસ્માતનું પ્રમાણ વધ્યુ છે. આવી સગર્ભા માદાના અકસ્માતના કારણે પણ ઘણી વખત પેટમાં જ બચ્ચા મૃત્યુ પામે છે. અને તેનો જન્મ થઇ શકતો નથી. આવી ઘણી પરિસ્થિતિમાં સીઝેરીયન કરવુ પડે છે.
સીઝેરીયનમાં આવેલી મોટાભાગની માદાના કેસમાં બચ્ચા અંદર જ મૃત્યુ પામ્યા હોય તેવુ બને છે. કેમકે લોકોના ધ્યાનમાં આવે અને અમારા સુધી પહોંચાડે ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ગયુ હોય છે. ૨-૩ દિવસ નીકળી જાય એટલે બચ્ચા પેટમાં જ મૃત્યુ પામે છે. આવા કેસમાં અમારા શેલ્ટરમાં આવેલા આથ ગલુડીયા અને આવી બચ્ચા વગરની માદા શ્ર્વાનને આપીએ છીએ. જેથી બચ્ચાને મા મળી જાય અને માને બચ્ચા મળી જાય છે.
અમારી પાસે મા વિનાના જે બચ્ચા આવે છે. એની મા બચ્ચાને જન્મ આપીને તરત જ અથવા બે -પાંચ દિવસમાં મૃત્યુ પામી હોય છે. બચ્ચાની આંખ પણ હજુ ખુલી નથી હોતી.  આવી માદાના મૃત્યુનુ કારણ પણ માણસોનું આ જીવ પ્રત્યેનું આ જીવ પ્રત્યેનું ઉપેક્ષિત વર્તન હોય છે. જેમ સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે તેને સારા ખોરાકની અને સારસંભાળની જ‚ર હોય છે. તેવું જ આ અબોલ જીવ માટે પણ હોય છે. પરંતુ આપણે માણસો તેને આવા સમયે પૂરતો  પૌષ્ટિક ખોરાક અને રહેવા માટે થોડી સારી જગ્યા આપવાના બદલે નફરત અને ધુત્કાર આપીએ છીએ.
અમારા સેલ્ટર પર જે માદા શ્ર્વાનનું સીઝેરીયન કરવાનું હોય તેનું ખસીકરણ પણ અમે સાથે જ કરી આપીએ છીએ. જેથી કરીને તે વારંવાર હેરાન ન થાય અને તેના જીવનું જોખમ ટળી જાય. આ ઓપરેશન  અમે વિનામૂલ્યે કરીએ છીએ. અમારા ટ્રસ્ટ દ્વારા ખસીકરણના ઓપરેશન રાહતદરે કરવામાં આવે છે. જો આ કાર્યમાં લોકો થોડો સાથ સહકાર આપે તો અબોલ જીવોને પણ સારી જિંદગી  મળે અને લોકો પણ શેરી ગલીમાં ઓછા જીવ હોય તો સારી રીતે સાચવી શકે અને ઓછી સંખ્યા હોય તો લોકોને પણ તકલીફ ન પડે.
આપણને ભગવાને માણસ બનાવ્યા છે. ત્યારે આપણે સમજવાનું કે આ બેજુબાન બોલી નથી શકતા. દુ:ખ કહી નથી શકતા પણ દુ:ખ દર્દ અનુભવે છે. તો એમના દુ:ખને હળવુ કરવા આપણે સૌએ થોડી દયા એ માનવતા દાખવવી જોઇએ.
દર્દભરી અપીલ
ડો. નેહલબેન કારાવદરા અને તેમની ટીમે  પોરબંદરવાસીઓને દર્દભરી અપીલ કરીને જણાવ્યુ છે કે આપનો થોડો સમય, થોડી દયા, થોડી સંભાળ કોઇ અબોલની જિંદગી બચાવી શકે છે.તમારી આસપાસના અબોલ જીવને તેના સ્થળ પરથી અન્ય અજાણ્યા સ્થળે  ખસેડવા નહીં. કારણ વગર તેને લાકડી, પથ્થર, મારી છંછેડવા  નહી. ગર્ભવતી શ્ર્વાનને સારો ખોરાક અને રહેવા સારી જગ્યા આપવી. અકસ્માત કે ઇજા થાય કે બિમાર હોય તો તાત્કાલિક સારવાર અપાવવી. આ અબોલનો અર્ંતનાદ આપણે માણસો નહી સાંભળીએ તો કોણ સાંભળશે? તેવા સવાલ સાથે મદદ‚પ બનવા અને સહકાર આપવા સંસ્થા દ્વારા અપીલ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News