રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મળેલી પાર્ટી સંકલન મિટિંગ તેમજ બપોરે ૧૨ કલાકે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં શહેરના લગભગ તમામ વોર્ડના કોર્પોરેટરોએ એકી અવાજે રાજકોટના રસ્તા ખરાબ હોવાનો સૂર વ્યક્ત કરી રસ્તા પ્રશ્ને વ્યાપક ફરિયાદો કરી હતી, ખાસ કરીને રસ્તાનું રિપેરિંગ કરાતું નહીં હોવાની તેમજ મંજૂર થયેલા કામો શરૂ કરાતા નહીં હોવાનું તેમજ કોન્ટ્રાક્ટરો કોર્પોરેટરોનું માનતા નહીં હોવા સહિતનો બળાપો ઠાલવ્યો હતો.કોર્પોરેટરોએ એમ પણ કહ્યું હતું કે નાગરિકો અમને રસ્તા ખરાબ હોવાની ફરિયાદો કરે છે અને અમે આ અંગે અધિકારીઓ અને ઇજનેરોને ફરિયાદ કરીએ તો પણ ફરિયાદ ઉકેલાતી નથી.
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ મામલાની ગંભીરતાને પારખી જઇને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ ચારેય ડેપ્યુટી કમિશનર અને તમામ સિટી ઇજનેરોને કમિટી રૂમ છોડીને નહીં જવા આદેશ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ તુરંત તેમણે રસ્તા પ્રશ્ને ખાસ મિટિંગ યોજી હતી જેમાં મેયર નયનાબેન પેઢડિયાને પણ બોલાવ્યા હતા. આ મિટિંગમાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનએ ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર રાજકોટ શહેરના તમામ રસ્તા કામો પૂર્ણ કરવા સિંગલ લાઇન ઓર્ડર કર્યો હતો.
વિશેષમાં રાજકોટ શહેરના રોડ રસ્તાની ખરાબ હાલત અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અધિકારીઓ અને ઇજનેરોને ખખડાવતા કહ્યું હતું કે, આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં સમગ્ર શહેરના તમામ વોર્ડમાં શેરી ગલીથી લઇને મુખ્ય માર્ગ સુધીના રસ્તાઓ ઉપર જ્યાં જે કંઇ કરવાનું હોય તે કામ ફટાફટ શરૂ કરવા અને સમયમર્યાદામાં પૂર્ણ થવા જોઇએ. મ્યુનિ.અધિકારીઓ-ઇજનેરોને લાસ્ટ વોર્નિંગ આપતા ચેરમેન ઠાકરે કહ્યું હતું કે, ખાડા ઉપર પેચવર્ક હોય, મેટલિંગ હોય, શેરીઓમાં સીસી વર્ક હોય, રિ-કાર્પેટ હોય કે નવેસરથી પેવર કરવાનો હોય રસ્તાનું એક પણ કામ બાકી રહેવું ન જોઇએ અને જો હવે આ આદેશ પછી રસ્તા કામમાં વિલંબ કે બેદરકારી જોવા મળશે તો કોઈ પણ એન્જિનિયર હોય કે કોઈ પણ કોન્ટ્રાકટર એજન્સી હોય તેને નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
કોન્ટ્રાક્ટરોની લાજ કાઢવાનું બંધ કરો:શુક્લ
પાર્ટી સંકલન મિટિંગ અને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર ડો.નેહલભાઇ શુક્લ શહેરના રસ્તાઓની દુર્દશા મામલે આકરા પાણીએ થયા હતા અને ચર્ચા દરમિયાન એક તબક્કે અધિકારીઓ અને ઇજનેરોને એવું કહ્યું હતું કે હવે કોન્ટ્રાક્ટરોની લાજ કાઢવાનું બંધ કરો તો સારી વાત છે, કોઇ કોન્ટ્રાક્ટરો સમાજસેવા કરતા નથી, ધંધો કરે છે અને નફો કમાય છે. જો કોન્ટ્રાક્ટરે સમયસર કામ શરૂ ન કર્યું હોય તો દંડ કરો. દરેક રસ્તાકામની ડેડલાઇન નક્કી કરો સમયસર કામ પૂર્ણ ન થાય તો પણ દંડ ફટકારો.