અમદાવાદમાં રિયલ એસ્ટેટ ગ્રુપ બાદ રાજકોટમાં જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગે ગઈકાલથી તપાસ હાથ ધરી છે. માર્ચ મહિનો નજીક આવતા જ આવકવેરા અધિકારીઓની ટીમ નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે મેદાનમાં ઊતરી ગઈ છે. રાજકોટમાં કોટેચા ચોક વિસ્તારમાં આવેલા પ્રયોશા જ્વેલર્સને ત્યાં ગઈકાલથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતા સમગ્ર શહેરના જ્વેલર્સમાં ફફડાટ ફેલાયો છે.
આજે બીજા દિવસે પણ તપાસ યથાવત
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નવા વર્ષના પ્રારંભ સાથે જ આવકવેરા વિભાગે નિર્ધારિત મોટા માથાઓને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમદાવાદમાં મંગળવારથી કામેશ્વર અને દીપ રીયલ એસ્ટેટ ગ્રુપમાં મેઘા સર્ચ ઓપરેશન શરૂ કરી એક સાથે 23 સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ મંગળવાર થી ચાલી રહી છે. જેના પગલે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અન્ય ધંધાર્થીઓને ત્યાં પણ તપાસનો રેલો પહોંચી શકે તેમ છે. હજુ આ બંને ગ્રુપનું ઓપરેશન પૂર્ણ થયું નથી ત્યાં રાજકોટમાં જવેલર્સ ગ્રુપને ત્યાં ગઈકાલે બપોર પછીથી તપાસ શરૂ કરવામાં આવી હતી જે મોડી રાત્રે સુધી ચાલી હતી. આજે બીજા દિવસે પણ તપાસ યથાવત રહી છે.જેથી આ તપાસ દરોડામાં પલટાઈ શકે તેવી શક્યતા રહેલી છે.
10 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ
કોટેચા ચોકમાં આવેલા પ્રવેશ્યા જવેલર્સની બહાર આવકવેરા વિભાગની ગાડી જોવા મળી રહી છે. તેમજ 10 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા જ્વેલર્સના નાણાકીય વ્યવહારો અને હિસાબોની ઝીણવટ પૂર્વકની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ જ્વેલર્સના બિલ સહિતના ફિઝિકલ અને ડિજિટલ ડેટા મેળવીને તપાસ કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં અન્ય શહેરના અધિકારીઓની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેના પગલે જ્વેલર્સમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આવકવેરા વિભાગના અધિકારીઓ પાસેથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નહીં આવતા કંઈ કહેવું મુશ્કેલ છે. અધિકારીના સત્તાવાર નિવેદન બાદ કરચોરીનો આંકડો બહાર આવશે. આ કાર્યવાહી બે-ત્રણ દિવસ ચાલશે તો દરોડામાં પરિવર્તિત થશે. એવી સંભાવના સૂત્રોએ દર્શાવી છે.