BREAKING NEWS

રાજકોટના આર્યા ક્લબમાં આવકવેરાની તપાસ પૂર્ણ, ખાસ વાંધાજનક મળ્યું નહીં, રિસોર્ટ સંચાલકોમાં ફફડાટ

  • January 28, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષના પ્રારંભ સાથે જ માર્ચ એન્ડિંગ નજીક આવતા ગુજરાતમાં આવકવેરા વિભાગ એક્શન મોડ માં જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં રીયલ એસ્ટેટ અને રાજકોટમાં જ્વેલર્સ બાદ હવે હોટલ બિઝનેસ રડારમાં હોય તેમ લાગી રહ્યું છે. સુરતના મોટા માથાઓને ત્યાં પાડેલા દરોડાનું કનેક્શન રાજકોટમાં ખુલતા રાજકોટ આવકવેરા વિભાગની ટીમ દ્વારાજામનગર અને સુરતના આવકવેરા અધિકારીઓની સાથે મળીને કાલાવડ રોડ પર આવેલા આર્ય રિસોર્ટ એન્ડ ક્લબમાં આજે વહેલી સવારથી નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તપાસના અંતે કશું જ શંકાસ્પદ વ્યવહારો નહીં મળ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરતમાં હાથ ધરવામાં આવેલા આવકવેરાના દરોડા ના તાર રાજકોટ સુધી જોડાયેલા હોવાનું અધિકારીઓનું પ્રાથમિક અનુમાન હતું. જેના પગલે કાલાવડ રોડ પર આવેલા આર્યા રિસોર્ટ એન્ડ ક્લબમાં અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આર્યા ક્લબ શહેરના હાર્દ સમાન કાલાવડ રોડ વિસ્તારમાં 1.5 લાખ સ્ક્વેર ફીટના વિશાળ એરિયામાં જીમ-વર્કઆઉટ અને સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ ધરાવે છે. રિસોર્ટ દ્વારા કેટલીક સુવિધાઓ માટે કેટલા નાણા અને કેટલો ટેક્સ ભરવામાં આવી રહ્યો છે તે અંગે આ શરૂ કરવામાં આવી હતી. મોટાભાગે હોટલ અને રિસોર્ટના ધંધાધારીઓ દ્વારા સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલી સુવિધાઓના બીલ છુપાવી અને કરચોરી કરવામાં આવતી હોય છે. ત્યારે આર્યા ક્લબમાંથી પણ કરચોરી મળે તેવી સંભાવના સૂત્રોએ દર્શાવી હતી.જેના પગલે વહેલી સવારથી શરૂ કરેલી આવકવેરા વિભાગની તપાસમાં અધિકારીઓ દ્વારા રેસ્ટોરેન્ટ, હોટલ રૂમ તથા અન્ય સુવિધાઓ માટેના બિલ તેમજ અન્ય ડિજિટલ અને ફિઝિકલ દસ્તાવેજોની ઝીણવટ પૂર્વકની તપાસ કરીને વસૂલવામાં આવતા નાણા અંગે ખરાઈ કરવામાં આવી હતી. પરંતુ અહીંથી કોઈ શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા ન હતા. જોકે આર્યા રિસોર્ટમાં આવકવેરા વિભાગની તપાસ શરૂ થતા હોટલ અને રિસોર્ટના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો.


સુરતમાં જમીન લે-વેચ કરતા મોટા માથાઓને ત્યાં તપાસ

માર્ચ એન્ડિંગ નજીક આવતા આવકવેરા વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા સુરતમાં રિયલ એસ્ટેટ અને ડાયમંડ સેક્ટરમાં પાડવામાં આવેલા દરોડાનું કનેક્શન રાજકોટમાં ખુલતા આર્યા ક્લબમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેથી રાજકોટ અને જામનગરના અધિકારીઓની ટીમને પણ તપાસમાં સાથે જોડવામાં આવી હતી. સુરતમાં લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરા, મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારોની ઘર અને ઓફિસમાં આવકવેરાના અધિકારીઓ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવકવેરા વિભાગ દ્વારા જમીન લે-વેચ કરતા મોટા માથાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે રાજકોટના આર્યા રિસોર્ટમાં અધિકારીઓને તપાસના અંતે કશું મળી આવ્યું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application