ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે બંને દેશોએ પોતપોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે અને હવે બંનેએ હવાઈસીમા પર અદ્યતન જામર તૈનાત કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. ભારત તરફથી સંભવિત લશ્કરી કાર્યવાહીને કારણે પાકિસ્તાન એલર્ટ પર છે. આવી સ્થિતિમાં, ભારતે પાકિસ્તાનની નેવિગેશન સિસ્ટમને મોટો ફટકો આપ્યો છે.
સૂત્રો કહે છે કે ભારતે પાકિસ્તાની લશ્કરી વિમાનો દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના સિગ્નલોને વિક્ષેપિત કરવા માટે અદ્યતન જામિંગ સિસ્ટમ્સ તૈનાત કરી છે. તેમને પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. ભારતની જામિંગ સિસ્ટમ જીપીએસ, ગ્લોનાસ અને બેઈડોઉ સહિત સેટેલાઇટ-આધારિત નેવિગેશન પ્લેટફોર્મને વિક્ષેપિત કરશે. આ પ્લેટફોર્મનો ઉપયોગ પાકિસ્તાની સેનાના વિમાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કર્યા પછી, પાકિસ્તાને ત્યાં જામર લગાવ્યા છે જેથી ભારતીય લડાકુ વિમાનો પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ન શકે. નિયંત્રણ રેખા (એલઓસી) પર ગોળીબાર વચ્ચે, પાકિસ્તાને ચીનમાં બનેલી એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમની જમાવટ વધારી દીધી છે. પાકિસ્તાને ચીની હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે.