\ભારતનો અવકાશ કાર્યક્રમ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઝડપે આગળ વધી રહ્યો છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને હાલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના મેનેજમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. એએસ કિરણ કુમારે જણાવ્યું છે કે ભારત 2040 સુધીમાં પોતાના અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારશે અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવશે. સાથે જ, ભારત પોતાનું સ્વતંત્ર અવકાશ મથક પણ બનાવશે.
આ નિવેદન તેમણે પીઆરએલ ખાતે આયોજિત એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પાંચમા સિમ્પોઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે આપ્યું હતું. ત્રણ દિવસીય આ પરિસંવાદમાં દેશભરના આશરે 150 વૈજ્ઞાનિકો, ઇજનેરો, શિક્ષણવિદો, યુવા સંશોધકો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પરિસંવાદમાં ખગોળશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, વાતાવરણીય વિજ્ઞાન અને ક્વોન્ટમ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં અદ્યતન ઓપ્ટિક્સ અને સાધનોની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી.
ડૉ. કિરણ કુમારે જણાવ્યું કે 2040 સુધી ભારત અનેક મહત્વપૂર્ણ અવકાશ મિશન હાથ ધરશે. ગગનયાન મિશન અંતર્ગત 2027 સુધીમાં પ્રથમ માનવ અવકાશ યાત્રા હાથ ધરવાની યોજના છે. ત્યારબાદ તબક્કાવાર રીતે ભારતીય અવકાશ મથકનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 2027 સુધીમાં કેટલાક મોડ્યુલ તૈયાર થશે અને 2035 સુધીમાં પૂર્ણ અવકાશ મથક કાર્યરત બનશે.
ચંદ્રયાન માટે એક ફોલો-ઓન મિશન ટૂંક સમયમાં લોન્ચ થવાની શક્યતા છે. જાપાન સાથે મળીને લેન્ડર અને રોવર વિકાસ પર કામ ચાલી રહ્યું છે, જે ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરશે. આ વિસ્તાર ભવિષ્યમાં માનવ વસાહત અને સંસાધન ઉપયોગ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
ડૉ. કિરણ કુમારે જણાવ્યું કે ભારત અનોખો દેશ છે, જેણે અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ લશ્કરી હેતુઓ કરતાં વધુ સમાજના સર્વાંગી વિકાસ માટે કર્યો છે. ડૉ. વિક્રમ સારાભાઈના દ્રષ્ટિકોણ મુજબ, સ્વતંત્રતાના માત્ર દસ વર્ષ પછી ભારતે અવકાશ ટેકનોલોજી દ્વારા પ્રસારણ સંચાર, હવામાન દેખરેખ અને ગ્રામિણ વિકાસમાં ક્રાંતિ લાવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2023માં 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીયને ઉતારવાનું લક્ષ્ય જાહેર કર્યું હતું. ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ ભારત માનવ મિશન અને ચંદ્ર ઉતરાણ તરફ મજબૂત પગલાં ભરી રહ્યું છે. આ સિદ્ધિ માત્ર વૈજ્ઞાનિક પ્રગતિ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનો વિષય બનશે.