BREAKING NEWS

વેનેઝુએલા સંકટમાં ભારતની લોટરી: અટવાયેલા ₹8,300 કરોડ પરત મળવાની આશા, તેલ ક્ષેત્રે ચીનનો દબદબો ઘટતા ભારતને મોટો ફાયદો

  • January 06, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેનેઝુએલા પર અમેરિકાની તાજેતરની સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક ઓઈલ માર્કેટમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે, જો વેનેઝુએલાના તેલ ક્ષેત્ર પર અમેરિકાનું વર્ચસ્વ વધશે, તો ભારતને તેનો સીધો અને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. ભારતનું લાંબા સમયથી અટવાયેલું 1 અબજ ડોલર (આશરે ₹8,300 કરોડથી વધુ) નું લેણું પરત મળવાની અને સસ્તા તેલનો નવો સ્ત્રોત ખુલવાની પ્રબળ શક્યતા છે.

ભારતનું અબજોનું લેણું કેમ અટક્યું હતું?
ભારતની સરકારી કંપની ONGC વિદેશ લિમિટેડ (OVL) વેનેઝુએલાના 'સાન ક્રિસ્ટોબલ' ઓઈલ ફિલ્ડમાં ભાગીદાર છે. જોકે, અમેરિકન પ્રતિબંધોને કારણે 2014 પછી વેનેઝુએલા સરકાર OVL ને ડિવિડન્ડ ચૂકવી શકી નહોતી. કુલ મળીને આ રકમ આશરે 1 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. અમેરિકાના હસ્તક્ષેપ બાદ જો પ્રતિબંધો હળવા થાય તો ભારતને આ બાકી નાણાં પરત મળી શકે છે.


તેલ ઉત્પાદનમાં થશે ધરખમ વધારો

હાલમાં સાન ક્રિસ્ટોબલ ફિલ્ડમાં ઉત્પાદન ઘટીને માત્ર 5,000 થી 10,000 બેરલ પ્રતિ દિવસ રહી ગયું છે. જો સ્થિતિ થાળે પડે, તો ભારત ગુજરાતમાં રહેલા ONGC ના આધુનિક રિગ્સ વેનેઝુએલા મોકલી શકશે. નવી ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદન વધીને 80,000 થી 1,00,000 બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી શકે છે. આ વધારાના ઉત્પાદનથી ભારત પોતાનું લેણું પણ વસૂલ કરી શકશે અને તેલની સપ્લાય પણ મેળવી શકશે.


ચીનની પકડ નબળી પડશે, ભારતને મળશે વિકલ્પ
હાલમાં વેનેઝુએલાના તેલ પર ચીનનો મોટો કબજો છે. અમેરિકાની એન્ટ્રીથી ચીનનો દબદબો ઘટશે અને ભારતને ફરીથી લાંબા ગાળાના સપ્લાય સોદા (Long-term supply deals) મળી શકશે. રિલાયન્સ, IOC અને નાયરા એનર્જી જેવી ભારતીય રિફાઇનરીઓ પાસે વેનેઝુએલાના ભારે કાચા તેલને પ્રોસેસ કરવાની શ્રેષ્ઠ ક્ષમતા છે.


​​​​​​​વૈશ્વિક બજાર પર અસર

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. વેનેઝુએલાથી સપ્લાય શરૂ થતા ભારતની મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) ના દેશો પરની નિર્ભરતા ઘટશે. આનાથી તેલની કિંમતો બાબતે ભારતની 'બાર્ગેનિંગ પાવર' (મોલભાવ કરવાની શક્તિ) વધશે. જોકે, અમેરિકા ઓપેક (OPEC) દેશો સાથે મળીને તેલના ભાવ બહુ નીચે ન જાય તેનું ધ્યાન રાખશે જેથી તેના પોતાના 'શેલ ઓઈલ' બિઝનેસને નુકસાન ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application