ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર એસ-400 એર ડીફેન્સ સીસ્ટમમાં સૈન્યનો વિશ્વાસ વધ્યો છે. આ બાબતથી પરિચિત લોકોના મતે, ભારત આ એર ડીફેન્સ સીસ્ટમનો નવો બેચ ખરીદવાનું વિચારી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ ડીફેન્સ સીસ્ટમની ખરીદી પર ચર્ચા થઈ શકે છે. જોકે, સૂત્રો સૂચવે છે કે ભારત એસ-400 નું એડવાન્સ વર્ઝન એસ-500 ખરીદવાનું પણ વિચારી શકે છે.
વાયુસેનાના વડા એર માર્શલ એ.પી. સિંહે પણ આ બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા, જોકે તેમણે સીધો જવાબ આપ્યો ન હતો. જ્યારે તેમને પત્રકાર પરિષદ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું ભારત નવા એસ-400 ઉપકરણો ખરીદવાનું વિચારી રહ્યું છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, દેખીતી રીતે, ઓપરેશન સિંદૂર દરમિયાન અમને સારા પરિણામો મળ્યા. તેથી, અમને આવી વધુ સિસ્ટમોની જરૂર છે. કેટલી ખરીદી શકાય તેની કોઈ મર્યાદા નથી. તેમણે કહ્યું, તે એક શ્રેષ્ઠ ડીફેન્સ સીસ્ટમસાબિત થઈ છે. આપણે પોતાની ડીફેન્સ સીસ્ટમ પણ વિકસાવી રહ્યા છીએ. તેથી, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ભારતે રશિયા સાથે એસ -400 ખરીદવા માટે સોદો કર્યો ત્યારે અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે આ ડીફેન્સ સીસ્ટમ ખરીદશે. ભારત અને રશિયાએ 2018 માં 5 અબજ ડોલરમાં પાંચ એસ -400 ઉપકરણો ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આમાંથી ત્રણ સ્ક્વોડ્રન ડિલિવર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના બે સ્ક્વોડ્રનની ડિલિવરી રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અટકી ગઈ છે. આ યુદ્ધને કારણે, રશિયાની મોટાભાગની ફેક્ટરીઓ યુદ્ધ સાધનોના ઉત્પાદનમાં રોકાયેલી છે.