રાજકોટમાં યોજાઈ રહેલી રીજનલ વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ સમિટમાં હાજર રહ્યા છે. આ પ્રસંગે તેમણે સમિટને સંબોધન આપ્યું અને કેન્દ્ર સરકારની ઉર્જા નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પીયુષ ગોયલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કમાન સંભાળી ત્યારથી સૌર ઉર્જા ક્ષેત્રે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સૌર ઉર્જાને લઈ તેમની દ્રષ્ટિ સ્પષ્ટ હતી, જોકે તે સમયે તેમના નિર્ણયોની ટીકા પણ થઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે, સૌર ઉર્જામાં એક વખત રોકાણ કરવાથી લાંબા સમય સુધી લાભ મળે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન 2030 સુધી 20 મેગાવોટ સોલાર એનર્જીનું લક્ષ્યાંક નક્કી કરાયું હતું, જેને નરેન્દ્ર મોદીએ વધારીને 100 મેગાવોટ કર્યું અને તેની સમયમર્યાદા 2030ના બદલે 2022 સુધી લાવવામાં આવી હતી. સોલાર એનર્જી ક્ષેત્રમાં રિવર્સ ઓક્શન જેવી નવી પ્રક્રિયાઓ પણ મોદી સરકારના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી. રૂફટોપ સોલાર યોજના દ્વારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
વર્ષ 2014ની સરખામણીએ આજે દેશ 50 ગણી વધુ સોલાર પાવરનું ઉત્પાદન કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ મફત યોજનાઓમાં નિર્ભર રહેવા કરતાં લોકોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા છે. મફતમાં વીજળી મેળવવાની જગ્યાએ લોકો પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવીને વીજળી બાબતે સ્વાવલંબન પ્રાપ્ત કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતે દેશને 24 કલાક વીજળી કેવી રીતે મળી શકે અને આત્મનિર્ભરતા કેવી રીતે કેળવી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીએમ કુસુમ યોજના થકી ખેડૂતોને સોલાર એનર્જીના માધ્યમથી આવક મેળવવાની તક પણ મળી રહી છે. આગામી વર્ષ 2030 સુધીમાં ભારત ગ્રીન એનર્જી ક્ષેત્રે 500 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે, જેના કારણે લોકોને સસ્તી વીજળી ઉપલબ્ધ થશે. ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. જેમ જેમ ગુજરાતનો વિકાસ થશે તેમ તેમ સમગ્ર ભારતનો વિકાસ થશે.