જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યના ઉર્જા ક્ષેત્રે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. દાયકાઓથી બંધ પડેલા અને એશિયાના સૌથી જૂના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સમાંના એક એવા 'મોહરા પાવર પ્રોજેક્ટ'ને ફરીથી કાર્યરત કરવામાં આવશે. એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની 'સિંધુ જળ સંધિ' સ્થગિત કરી દીધી હતી, જેના પરિણામ સ્વરૂપ હવે ભારત પોતાની નદીઓના પાણીનો મહત્તમ ઉપયોગ કરવા માટે કટિબદ્ધ બન્યું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિધાનસભામાં આ પ્રોજેક્ટ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, 1990ના દાયકાથી તકનીકી કારણોસર બંધ પડેલા 1.5 મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટને પુનઃજીવિત કરવા માટે ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નવીનીકરણ અને આધુનિકીકરણ 'જમ્મુ-કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન' દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવશે.
બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં જેલમ નદીના કિનારે આવેલો આ પ્રોજેક્ટ ભારતનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. આ પ્રોજેક્ટની સ્થાપના વર્ષ 1905માં કરવામાં આવી હતી, જે તેને ભારતનું સૌથી જૂનું હાઇડ્રો પાવર સ્ટેશન બનાવે છે.
આ પ્લાન્ટની સૌથી મોટી વિશેષતા તેની 10 કિલોમીટર લાંબી લાકડાની નહેર છે, જે પહાડોના કિનારે ઈજનેરી કૌશલ્યના અદભૂત નમૂના સમાન બનાવવામાં આવી હતી. રામપુરથી મોહરા સુધી પાણી પહોંચાડવા માટે તે સમયે આ એક અનોખો કીમિયો હતો. તે સમયે આ પ્લાન્ટ માટે ખાસ ટર્બાઇન ચેકોસ્લોવાકિયાથી મંગાવવામાં આવ્યા હતા. જોકે, 1992માં આવેલા વિનાશક પૂરને કારણે પ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ત્યારથી તેનું સંચાલન બંધ હતું.
ભારત સરકાર હવે જેલમ અને તેની અન્ય સહાયક નદીઓના પાણીનો 100 ટકા ઉપયોગ કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. મોહરા પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી જેલમ નદીના પાણીનો ઉપયોગ ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે કરશે, જેની સીધી અસર પાકિસ્તાન તરફ વહેતા પાણીના પ્રવાહ પર પડશે.
પાકિસ્તાન હંમેશા ભારતના કિશનગંગા અને રતલે જેવા હાઇડ્રો પ્રોજેક્ટ્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અડંગા નાખતું આવ્યું છે. પરંતુ, સિંધુ જળ સંધિના અમલીકરણને સ્થગિત કર્યા બાદ ભારત હવે કોઈ પણ બાહ્ય દબાણ વગર પોતાના જળ સંસાધનોનો વિકાસ કરી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીર સરકારે ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. સરકારનું લક્ષ્ય છે કે 2035 સુધીમાં રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતા વર્તમાન 3,540 મેગાવોટથી વધારીને 11,000 મેગાવોટ સુધી લઈ જવામાં આવે. આ મિશનમાં નાના અને જૂના પ્રોજેક્ટ્સનું નવીનીકરણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. આ નિર્ણય માત્ર વીજળીના ઉત્પાદન પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતની બદલાયેલી વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના પાસાઓને પણ ઉજાગર કરે છે. કાશ્મીરના લોકો માટે આ પ્રોજેક્ટ રોજગારી અને સસ્તી વીજળીની નવી આશા લઈને આવશે.