આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઈએમએફ)એ ભારતને એક નવો ટાર્ગેટ આપ્યો છે. આઈએમએફએ 2026 નવેમ્બરના રોજ એક નવો અહેવાલ બહાર પાડ્યો, જે દર્શાવે છે કે ભારત હવે નાણાકીય વર્ષ 2029માં પાંચ ટ્રિલિયન ડોલર અર્થતંત્રના સીમાચિહ્ન સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે, જે અગાઉના અંદાજ કરતાં એક વર્ષ મોડું છે.
ભારત લાંબા સમયથી તેના પાંચ ટ્રિલિયન ડોલર જીડીપી લક્ષ્ય સુધી પહોંચવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આઈએમએફ રિપોર્ટમાં જણાવાયું છે કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં વિલંબ અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ અને અપેક્ષા કરતાં વધુ ઝડપી રૂપિયાના અવમૂલ્યનને પ્રતિબિંબિત કરે છે.
આઈએમએફના 2025ના અંદાજ મુજબ, ફાયનાન્શિયલ વર્ષ- 2028માં ભારતનો જીડીપી ફક્ત 4.96 ટ્રિલિયન ડોલર રહેશે, જે આ વર્ષની શરૂઆતમાં 5.15 ટ્રિલિયન ડોલરના અંદાજથી ઓછો છે અને 2023 માટે 5.96 ટ્રિલિયન ડોલરના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે.
આઈએમએફએ જણાવ્યું હતું કે ડોલર આધારિત જીડીપી આગાહીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ રૂપિયાનું અવમૂલ્યન છે. આઈએમએફએ નાણાકીય વર્ષ 2025 માટે તેના વિનિમય દર આગાહીને રૂ.82.5 પ્રતિ ડોલરથી સુધારીને રૂ.84.6 પ્રતિ ડોલર કરી છે. નાણાકીય વર્ષ 2026 અને 2027 માટે, તે હવે વધુ નબળા પડીને અનુક્રમે રૂ.87 અને રૂ.87.7 થવાનો અંદાજ છે. 21 નવેમ્બરના રોજ, રૂપિયો પ્રતિ ડોલર રૂ.89.49ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો.
આ ફેરફારને કારણે આઈએમએફએ ભારતના વિનિમય દર શાસનને 'સ્થિર' થી 'ક્રોલ-જેવા' માં વર્ગીકૃત કર્યું છે, જે ચલણની ગતિવિધિઓમાં ઓછી પારદર્શિતા દર્શાવે છે. આઈએમએફએ નોમિનલ જીડીપી ગ્રોથ અંદાજોમાં પણ ઘટાડો કર્યો છે.
આઈએમએફ હવે નાણાકીય વર્ષ 2026માં 8.5 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જે 2024 માટેના 11 ટકા અંદાજથી નીચે છે. ડોલરની દ્રષ્ટિએ, આ નાણાકીય વર્ષ 2026માં 5.5 ટકા અને નાણાકીય વર્ષ 2027માં 9.2 ટકાની નબળી વૃદ્ધિ સૂચવે છે, કારણ કે વિનિમય દર ધારણાઓ વાસ્તવિક વિસ્તરણને નબળી પાડી રહી છે.
આ આંચકો છતાં, આઈએમએફ માને છે કે મજબૂત સ્થાનિક માંગ અને સુધારેલા માળખાગત સુવિધાઓને કારણે ભારત સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાંનું એક છે. અહેવાલ સૂચવે છે કે જો મુખ્ય વેપાર કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે અને સુધારાઓની ગતિ જાળવી રાખવામાં આવે, તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.
ભારતે કેટલીક ધારણાઓને નકારી કાઢી છે, ખાસ કરીને એવી અપેક્ષા કે ભારતીય નિકાસ પર 50 ટકા યુએસ ટેરિફ ચાલુ રહેશે. મનીકન્ટ્રોલના એક અહેવાલમાં આઈએમએફના દૃષ્ટિકોણને અતિશય રૂઢિચુસ્ત ગણાવવામાં આવ્યો છે.