અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઇન પૂરી થાય તે પહેલા જ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલાઓમાં ઈરાનના વ્યૂહાત્મક 'ખર્ગ આઈલેન્ડ' (Kharg Island) અને રેલવે નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે ઈરાનના અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને અંધારપટ છવાયો છે.
ભારત સરકારની એડવાઈઝરી
ઈરાનમાં ઝડપથી બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે મહત્વની સૂચનાઓ જાહેર કરી છે. જેમાં તમામ ભારતીયોને આગામી 48 કલાક સુધી ઘરની અંદર જ રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા જણાવાયું છે. તેમજ કોઈપણ પ્રકારની અવરજવર ટાળવી અને જો અનિવાર્ય હોય તો ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યા પછી જ આગળ વધવું. કોઈપણ કટોકટીના સમયે સ્થાનિક ભારતીય એમ્બેસી સાથે જોડાયેલા રહેવાની સલાહ આપવામાં આવી છે.
ટ્રમ્પ અને જેડી વેન્સના આક્રમક તેવર
હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, "આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે. હું નથી ઈચ્છતો કે આવું થાય, પણ હવે આ થઈને જ રહેશે. ભગવાન ઈરાનના લોકોની રક્ષા કરે." બીજી તરફ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાન પર 'આર્થિક આતંકવાદ' ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, આજે રાત્રે અમે આ આર્થિક આતંકવાદનો અંત લાવી દઈશું.
ઈરાનનો પલટવાર
અમેરિકા-ઈઝરાયેલના હુમલા સામે ઈરાને પણ જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી છે. ઈરાને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકા અને તેના સાથી દેશોના તેલ અને ગેસ ફિલ્ડ્સને નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત ઈઝરાયેલના સૈન્ય મથકો પર પણ ઈરાને હવાઈ હુમલા કર્યા છે. ટ્રમ્પની મંગળવારે રાત્રે 8 વાગ્યાની (અમેરિકી સમય મુજબ) ડેડલાઇન હવે ઈતિહાસના સૌથી લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
હોર્મુઝની સામુદ્રધુની ન ખોલવાના ઈરાનના મક્કમ વલણે વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઊભું કરી દીધું છે. ભારત સરકાર અત્યારે ઈરાનમાં રહેલા હજારો ભારતીય એન્જિનિયરો અને કામદારોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.