અમેરિકામાં વસતા ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. યુએસએના ફિલાડેલ્ફિયા શહેરમાં તેલંગાણાના ૨૮ વર્ષીય ભારતીય યુવક અંશુલ કુંચાની પિત્ઝા ડિલિવરી કરવા દરમિયાન ગોળી મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો અને ઘટનાક્રમ જોતાં આ સમગ્ર મામલો લૂંટફાટનો નહીં પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે, જેમાં અંશુલને મોતના મુખમાં ધકેલવા માટે પિત્ઝાનો એક 'ફેક' (નકલી) ઓર્ડર આપવામાં આવ્યો હોવાની આશંકા છે.
પાર્ટ-ટાઇમ નોકરી દરમિયાન જાળમાં ફસાવ્યો
મૃતક અંશુલ કુંચા છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં એક જાણીતી મલ્ટીનેશનલ કંપની (MNC) માં કાયમી ધોરણે સારી નોકરી કરતો હતો. જોકે, ભવિષ્યને વધુ ઉજળું બનાવવા અને વધારાની કમાણી કરવા માટે તે વીકેન્ડ (શનિ-રવિ) ના દિવસોમાં પાર્ટ-ટાઇમ પિત્ઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે પણ સેવા આપતો હતો. શનિવારની રાત્રે તે પોતાની આ જ પાર્ટ-ટાઇમ ફરજ પર હતો, ત્યારે તેને એક સુનશાન અને અવાવરું વિસ્તારમાંથી પિત્ઝા ડિલિવરી કરવાની રિક્વેસ્ટ (ઓર્ડર) મળી હતી.
અંશુલ હંમેશની જેમ જ્યારે નિર્ધારિત સરનામે પિત્ઝા પહોંચાડવા માટે ગયો, ત્યારે ત્યાં આસપાસ કોઈ ગ્રાહક હાજર નહોતું. તે કશું સમજે તે પહેલાં જ અંધારામાંથી અચાનક બે નકાબપોશ હુમલાખોરો હથિયારો સાથે ધસી આવ્યા હતા. તેમણે અંશુલને ઘેરી લીધો હતો અને તેના માથાના ભાગે એક પછી એક ઘણી ગોળીઓ ધરબી દીધી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે અંશુલ ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો, જ્યારે હુમલાખોરો અંધારાનો લાભ લઈને ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
લૂંટ નથી થઈ, આ એક મોટું કાવતરું: પરિવારનો આક્રોશ
આ હૃદયદ્રાવક ઘટનાની જાણ ભારત સ્થિત તેના પરિવારને થતાં જ સમગ્ર ઘરમાં માતમ છવાઈ ગયો છે. અંશુલના પરિવારે આ ઘટનાને સામાન્ય લૂંટની વારદાત માનવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ અંશુલને ગોળી માર્યા બાદ તેની પાસે રહેલી કોઈ પણ કિંમતી વસ્તુ કે રોકડની લૂંટ કરી નથી, જે સાબિત કરે છે કે હુમલાખોરોનો એકમાત્ર હેતુ તેની હત્યા કરવાનો જ હતો.
ભૂતકાળની વિગતો આપતા પરિવારે જણાવ્યું કે, અગાઉ પણ અંશુલ અમેરિકામાં લૂંટનો શિકાર બન્યો હતો, જેમાં બદમાશો તેનો ફોન, સોનાની ચેન અને રોકડ લૂંટી ગયા હતા, પરંતુ ત્યારે તેના પર કોઈ જીવલેણ હુમલો થયો નહોતો. અંશુલની બહેન તન્વીએ રડતાં રડતાં મીડિયા સમક્ષ ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેના ભાઈને મોતને ઘાટ ઉતારવા માટે જ આ પિત્ઝા ઓર્ડરનું નકલી નાટક રચીને જાળ બિછાવવામાં આવી હતી.
બહેનની ભાવુક અપીલ: "છોકરાઓને અમેરિકા ન મોકલો"
ખૂબ જ હસમુખા અને શાંત સ્વભાવના અંશુલના અકાળે અવસાનથી તેનો પરિવાર પૂરેપૂરો ભાંગી પડ્યો છે. મીડિયા સાથે વાતચીત કરતી વખતે અંશુલની બહેન પોતાના આસુ રોકી શકી નહોતી અને તેણે અન્ય ભારતીય માતા-પિતાને એક અત્યંત ભાવુક અપીલ કરી હતી. તેણે ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે, "આ એ તમામ માતા-પિતા માટે એક આંખ ઉઘાડનારો કડવો સંદેશ છે જેઓ પોતાના વહાલસોયા સંતાનોને ઉજ્જવળ ભવિષ્યની લાલચમાં અમેરિકા મોકલવાનું વિચારી રહ્યા છે. મારો ભાઈ પોતે ક્યારેય અમેરિકા જવા માંગતો નહોતો, છતાં અમે વધુ સારા ભવિષ્ય માટે તેને પરાણે મોકલ્યો અને જુઓ આજે તેની શું દશા થઈ! મારી હાથ જોડીને વિનંતી છે કે કૃપા કરીને તમારા બાળકોને અમેરિકા ન મોકલો."
રાજદ્વારી મદદ અને ન્યાયની માંગ
હાલમાં પીડિત પરિવારે અંશુલની ક્રૂર હત્યા મામલે ન્યાયની ગુહાર લગાવી છે અને આ ઘાતકી ગુના માટે જવાબદાર નકાબપોશ હુમલાખોરોને વહેલામાં વહેલી તકે પકડીને કડક સજા કરવાની માંગ કરી છે. આ તરફ, ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ સમગ્ર બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ સતત અમેરિકન સત્તાવાળાઓ, સ્થાનિક પોલીસ અને અંશુલના પરિવારના સંપર્કમાં છે. અધિકારીઓએ તમામ જરૂરી કાનૂની અને રાજદ્વારી મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે અને સત્તાવાર રીતે જણાવ્યું છે કે આગામી સોમવાર સુધીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને અંશુલનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવી શકે છે.