BREAKING NEWS

સમશેર સિંહ રાજ્યના આગામી પોલીસ વડા બને એવા સંકેત

  • January 02, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગાંધીનગર તા.

ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા સમશેરસિંહ ને બનાવવામાં આવે તેવા સંકેત સ્પષ્ટપણે મળી રહ્યા છે. બીએસએફના એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવતા સમશેરસિંહ ને તાત્કાલિક અસરથી ગુજરાત મોકલવા કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે.


કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત કેડર (1991 બેચ)ના વરિષ્ઠ આઈપીએસ અધિકારી શમશેર સિંહને બોર્ડર સિક્યુરિટી ફોર્સ માંથી સમય પહેલાં પરત બોલાવવાનો આદેશ આપતા રાજ્યના વહીવટી અને પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.


હાલ તેઓ બીએસએફમાં એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ તેમની કેન્દ્ર ડેપ્યુટેશનની મુદત પૂર્ણ થવા પૂર્વે જ તેમને ગુજરાત પરત મોકલવાનો નિર્ણય લેવાયો છે.


ગૃહ મંત્રાલયના આદેશ મુજબ બીએસએફ દ્વારા શમશેર સિંહને કયા દિવસે રિલીવ કરવામાં આવશે તેની જાણ કેન્દ્ર સરકારને કરાશે. ત્યારબાદ તેઓ ગુજરાત કેડરમાં પરત ફરશે અને તેમની આગળની પોસ્ટિંગ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે કેન્દ્ર ડેપ્યુટેશન પૂર્ણ થયા બાદ અધિકારીઓને પરત મોકલવામાં આવે છે, પરંતુ મુદત પહેલાં પરત બોલાવવાનો નિર્ણય અસાધારણ માનવામાં આવે છે. આ કારણે જ “આવું શું થયું કે દિલ્હીથી અચાનક પરત બોલાવવાનો નિર્ણય લેવાયો?” તેવો પ્રશ્ન પોલીસ વિભાગમાં ઉઠી રહ્યો છે.


આ નિર્ણયને રાજ્યના પોલીસ વડાની નિમણૂક સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ડીજી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ રાજ્ય સરકારે 1992 બેચના આઈપીએસ અધિકારી ડો. કે. એલ. એન. રાવને કાર્યકારી ડીજીપી તરીકે જવાબદારી સોંપી છે. જોકે આ નિમણૂક સ્થાયી નથી અને રાજ્યને નવા પૂર્ણકાલીન ડીજીપીની જરૂરિયાત છે. આવી સ્થિતિમાં શમશેર સિંહને પરત બોલાવવાનો નિર્ણય મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.


પોલીસ સૂત્રો જણાવે છે કે શમશેર સિંહનો અનુભવ કેન્દ્ર અને રાજ્ય બંને માટે મહત્વપૂર્ણ રહ્યો છે. બીએસએફમાં ફરજ દરમિયાન તેમણે સરહદી સુરક્ષા, આંતરિક સલામતી, સંવેદનશીલ વિસ્તારોમાં ઓપરેશનલ મેનેજમેન્ટ તેમજ કેન્દ્ર-રાજ્ય સંકલન જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે. ગુજરાત જેવા સરહદી અને દરિયાકાંઠાવાળા રાજ્ય માટે આવો અનુભવ ધરાવતા અધિકારીને ટોચની જવાબદારી સોંપવાની શક્યતા મજબૂત બની છે.


રાજ્યમાં હાલ કાયદો-વ્યવસ્થા, નશા વિરોધી અભિયાન, દરિયાકાંઠાની સુરક્ષા અને આંતરિક સલામતી જેવા મુદ્દાઓ સરકારની પ્રાથમિકતામાં છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્રમાં સુરક્ષા દળમાં ઉચ્ચ પદ પર કામ કરી ચૂકેલા અધિકારીને ગુજરાત પોલીસનું નેતૃત્વ સોંપવામાં આવે તેવી શક્યતા પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.


આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા શમશેર સિંહને પરત બોલાવવાનો સમય પણ મહત્વનો માનવામાં આવે છે. નવા વર્ષની શરૂઆતમાં જ લેવાયેલા આ નિર્ણયને આગામી વહીવટી ફેરફારોની પૂર્વભૂમિકા તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન બાદ જ આ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.


હાલ રાજ્ય સરકાર કે ગૃહ વિભાગ તરફથી શમશેર સિંહની આગામી નિમણૂક અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં, કે. એલ. એન. રાવને કાર્યકારી ડીજીપી બનાવાયા બાદ અને શમશેર સિંહને વહેલી પરત બોલાવવાના આદેશથી એ સંભાવના વધુ મજબૂત બની છે કે ગુજરાતને ટૂંક સમયમાં નવા સ્થાયી પોલીસ વડા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News