દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. જુલાઈ ૨૦૨૬માં છૂટક મોંઘવારી દર વધીને ૪.૪૫ ટકા પર પહોંચી ગયો છે, જે જૂન મહિનામાં ૪.૩૮ ટકા હતો. આ સાથે જ સતત નવમા મહિને છૂટક મોંઘવારીમાં વધારો નોંધાયો છે, જે ભારતીય રિઝર્વ બેંકના ચાર ટકાના મધ્યમ ગાળાના ટાર્ગેટ કરતાં પણ વધી ગયો છે. મોંઘવારીમાં આ ઉછાળાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના આસમાને પહોંચેલા ભાવ છે. જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર વધીને ૫.૫૨ ટકા પર પહોંચી ગયો છે, જેના કારણે આમ આદમીની થાળીમાંથી પોષણ અને સ્વાદ બંને ગાયબ થઈ રહ્યા છે. રસોડામાં દૈનિક વપરાશમાં આવતી ચીજવસ્તુઓના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. ડુંગળીનો મોંઘવારી દર જૂનના ૪.૭૩ ટકાથી સીધો છલાંગ લગાવીને જુલાઈમાં ૨૨.૫૪ ટકા પર પહોંચી ગયો છે. લસણની મોંઘવારી દર ૧૭.૯૩ ટકાથી વધીને ૩૫.૩૬ ટકા થઈ ગઈ છે. જ્યારે આદુના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વાર્ષિક ધોરણે જુલાઈમાં આદુની મોંઘવારી ૮૩.૬૨ ટકા વધી છે. આ સિવાય નાળિયેર ૨૫.૮૮ ટકા, કિસમિશ ૧૫.૭૧ ટકા, લીંબુ ૧૪.૩૪ ટકા, સીંગતેલ ૧૧.૭૫ ટકા અને રિફાઇન્ડ ઓઇલ ૧૩.૨૫ ટકા પણ ખૂબ મોંઘા થયા છે. જોકે, રાહતની વાત એ છે કે બટાકાના ભાવમાં ૧૬.૫૬ ટકા, ટામેટામાં ૪.૫૯ ટકા, વટાણામાં ૫.૨૭ ટકા, ભીંડામાં ૫.૫૨ ટકા અને રીંગણમાં ૪.૧૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. ચિંતાજનક બાબત એ છે કે મોંઘવારીની માર શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારો પર વધુ પડી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર ૫.૭૯ ટકા રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે થોડો ઓછો એટલે કે ૫.૦૫ ટકા નોંધાયો છે. એકંદર ગ્રામીણ મોંઘવારી દર ૪.૮૪ ટકા છે, જે દર્શાવે છે કે ગામડાંઓમાં રહેતા લોકોની ખરીદશક્તિ પર ભારે અસર પડી છે. રાજ્યવાર સરખામણી કરીએ તો રાજસ્થાનમાં ૪.૮૨ ટકા અને મધ્યપ્રદેશમાં ૪.૯૧ ટકા મોંઘવારી નોંધાઈ છે, જે દેશના રાષ્ટ્રીય સરેરાશ ૪.૪૫ ટકા કરતાં પણ ઘણી વધારે છે. મોંઘવારી માત્ર ખાવા-પીવાની ચીજો સુધી સીમિત નથી રહી, પરંતુ દૈનિક જીવનના અન્ય ખર્ચાઓ પર પણ તેની અસર પડી છે. જુલાઈમાં પર્સનલ કેયર (બ્યુટી પ્રોડક્ટ્સ અને પર્સનલ હાઇજીન) ક્ષેત્રે ૧૪.૭૭ ટકાનો મોટો વધારો થયો છે. માલવાહક ભાડું (ગુડ્સ ટ્રાન્સપોર્ટ) ૭.૭૭ ટકા અને મુસાફરી ટ્રાન્સપોર્ટ ૪.૪૩ ટકા મોંઘું થતાં ચીજવસ્તુઓની લિફ્ટિંગ કોસ્ટ વધી ગઈ છે. આ સિવાય રેસ્ટોરન્ટમાં ખાવા-પીવું ૭.૭૨ ટકા, કપડાં ૩.૭૮ ટકા, એજ્યુકેશન ૩.૬૪ ટકા, વીજળી-ઈંધણ ૨.૦૨ ટકા અને રૂમ ભાડું (હાઉસિંગ) ૨.૨૨ ટકા મોંઘું થયું છે. આર્થિક નિષ્ણાતો અને આરબીઆઈના મતે આગામી નિકટ ભવિષ્યમાં મોંઘવારીમાંથી તુરંત રાહત મળવાની શક્યતા ઓછી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં મોંઘવારી દર તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે. પશ્ચિમ એશિયામાં ચાલતી જીઓપોલિટિકલ કટોકટી, પેટ્રોલ-ડીઝલ અને એલપીજી જેવા ઈંધણના વધતા ભાવ તેમજ આ વર્ષે ચોમાસાના અસમાન અને અનિયમિત વરસાદને કારણે ખાદ્ય ઉત્પાદન પર પડેલી અસર મોંઘવારીને વધુ ભડકાવી શકે છે.