BREAKING NEWS

અમરેલીમાં વીરજીભાઈ ઠુંમરની અંતિમયાત્રા નીકળી, પુત્રી જેનીએ કાંધ આપી, પિતાની અંતિમ વિદાયમાં ચોધાર આંસુએ રડ્યા

  • October 07, 2026 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું આજે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. સાંજે પાંચ વાગ્યે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. આ અંતિમયાત્રા દરમિયાન તેમની પુત્રી જેનીબેન પિતાને કાંધ આપીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા, જે દ્રશ્ય અત્યંત ભાવુક કરી દેનારું હતું.

કોંગ્રેસના લડાયક નેતાના અંતિમ દર્શન કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં આવ્યા હતા. વીરજી ઠુમ્મરના અચાનક અવસાનથી સમગ્ર રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


રાજકીય સફર અને લોકપ્રતિનિધિત્વ

વીરજી ઠુમ્મરનો જન્મ ૩૧ મે ૧૯૫૯ના રોજ અમરેલી ખાતે થયો હતો અને તેમના પત્નીનું નામ નીલાબેન છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાઈને જનસેવા અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા હતા. જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની છબી હંમેશાં લોકોની વચ્ચે રહી હતી. તેમની રાજકીય કારકિર્દી અત્યંત નોંધપાત્ર રહી છે, જેમાં તેમણે સંસદથી લઈને વિધાનસભા સુધી જનતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું

૧૯૯૦માં તેઓ બાબરા બેઠક પરથી પ્રથમ વખત જનતા દળના ધારાસભ્ય બન્યા હતા.

૧૯૯૫માં તેઓ બાબરા બેઠક પરથી જ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

૨૦૦૪ થી ૨૦૦૯ દરમિયાન તેઓ અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને સંસદમાં લોકપ્રશ્નોને વાચા આપી હતી.

૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન તેઓ લાઠી-બાબરા વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી.


ખેડૂતોના પ્રશ્નો અને આક્રમક નેતૃત્વ

વીરજી ઠુમ્મરે માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ મહત્ત્વપૂર્ણ સેવાઓ આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની એક અલગ અને પ્રભાવશાળી ઓળખ ઊભી થઈ હતી. તેઓ હંમેશાં ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ યોજાતા વિરોધ પ્રદર્શનોમાં અગ્રેસર ભૂમિકા ભજવતા આવ્યા હતા. સામાન્ય જનતા અને ખેડૂતોના હકો માટે લડવાની તેમની આક્રમક શૈલી અને જનતાના પ્રશ્નોને વાચા આપવાની તેમની સક્રિયતા હંમેશાં યાદગાર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application