BREAKING NEWS

જામનગરમાં શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે ભવ્ય 'પૃથ્વી પરિક્રમા' યોજાઈ

  • November 24, 2026 11:26 AM 

જામનગરમાં શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે ભવ્ય 'પૃથ્વી પરિક્રમા' યોજાઈ

કારતકી પૂનમના વહેલા પરોઢિયે જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરી નીકળી; 'મૂલ મિલાવા' ખાતે ધર્મ ધ્વજારોહણ અને મહેર સાગરના પાઠ કરાયા

છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ 'શ્રી ૫ નવતનપુરીધામ' (ખીજડા મંદિર) ના સ્થાપના દિવસ તથા જામનગરમાં આયોજિત તારતમ સાગરની ૧૨,૦૦૦ પારાયણની અખંડ સ્મૃતિમાં કારતકી પૂનમના પવિત્ર દિવસે ભવ્ય 'પૃથ્વી પરિક્રમા' (પ્રભાત ફેરી) નું આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલા પરોઢિયે શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતેથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ તેમજ સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં આ પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. આ પરિક્રમા શહેરના ઠેબા બાયપાસથી રાજકોટ બાયપાસ વચ્ચે આવેલા ૧૨,૦૦૦ પારાયણના મુખ્ય સ્થળ 'મૂલ મિલાવા' ખાતે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, સંતો અને ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, જી.એલ. તનેજા, કિંજલભાઈ કારસરીયા, કિશનભાઇ વસરા, ભીમશીભાઈ પીઠિયા સહિતના અગ્રણી સુંદરસાથજીએ ધર્મ ધ્વજારોહણ અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.

આ અવસરે જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે ધર્મના ગૌરવવંતા ઇતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે, આજથી ૪૦૦ વર્ષ પૂર્વે નિજાનંદાચાર્ય સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે જામનગરની આ પાવન ભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણજીને પ્રસન્ન કરી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ અને શ્રી ૫ નવતનપુરીધામની સ્થાપના કરી હતી. શ્રી દેવચંદ્રજીએ દાતણ કરીને તેની બે ફાડ જમીન પર રોપી હતી, તે સ્થળે આજે પણ બે શમી (ખીજડા) ના વૃક્ષો હયાત છે, જેના કારણે જ આ પવિત્ર ધામ 'ખીજડા મંદિર' તરીકે જગવિખ્યાત બન્યું છે.

​​​​​​​​​​​​​​​​​​​​​શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજે પ્રણામી ધર્મના તમામ અનુયાયીઓને નવતનપુરીધામના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ સુંદરસાથજી ભાવિકોએ 'મહેર સાગર' ના પાઠનું પઠન કરીને ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application