હવે વીજળી પેદા કરવા માટે માત્ર સોલર પેનલ કે અન્ય સાધનો પર આધાર રાખવો નહીં પડે. કાંટાવાળા કેક્ટસ (થોર)ના છોડમાંથી પણ વીજળી ઉત્પન્ન કરી શકાશે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રૂઝના સંશોધકોએ પ્રિકલી પિયર કેક્ટસના થડમાંથી સીધી વીજળી પેદા કરવાની નવી ટેક્નોલોજી વિકસાવી છે. સંશોધકો આ ટેક્નોલોજીને ‘લિવિંગ સોલર પેનલ’ તરીકે ઓળખાવી રહ્યા છે.
આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘરના મોટા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચલાવવા કરતાં ખેતીમાં ઓછા વીજ વપરાશવાળા સેન્સર ચલાવવા અને પાકની સ્થિતિ પર નજર રાખવા માટે વધુ ઉપયોગી બની શકે છે. સંશોધકો હવે એગેવ અને અનાનસ જેવા અન્ય છોડમાં પણ આ ટેક્નોલોજીની શક્યતાઓ તપાસી રહ્યા છે. કેક્ટસ જેવા છોડ પાણીની બચત કરવા માટે રાત્રિના સમયે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને તેને મેલિક એસિડમાં પરિવર્તિત કરે છે. આ પ્રક્રિયાને સીઈએમ (ક્રેસ્યુલેસિયન એસિડ મેટાબોલિઝમ) કહેવામાં આવે છે.
સવારે જ્યારે સૂર્યપ્રકાશ છોડના થડ પર પડે છે ત્યારે તેના બહારના આશરે બે મિલિમીટરના ભાગમાં રહેલું એસિડ તૂટવા લાગે છે. જ્યારે છાંયડામાં રહેલો ભાગ વધુ એસિડિક રહે છે. થડના બંને ભાગમાં એસિડિટીના આ તફાવતને કારણે ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે. આ વીજભારને ઇલેક્ટ્રોડની મદદથી એકત્રિત કરી શકાય છે. ગ્રીનહાઉસ, લેબોરેટરી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધન ફાર્મમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું કે કેક્ટસનો એક થડ અડધા વોલ્ટ સુધી વીજળી પેદા કરી શકે છે. જ્યારે આઠ થડને એકસાથે જોડવામાં આવે તો 4.5 વોલ્ટ સુધી વીજળી મેળવી શકાય છે.
સંશોધન દરમિયાન મધ્યમ સૂર્યપ્રકાશ વીજળી ઉત્પાદન માટે સૌથી અનુકૂળ હોવાનું જણાયું હતું. જ્યારે વધુ તેજ પ્રકાશમાં છોડ પોતાની સુરક્ષા માટેની પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે કેટલાક કેક્ટસના છોડ પાણી વિના 15 મહિના સુધી જીવિત રહી શકે છે. આવા છોડમાં દુષ્કાળ જેવી સ્થિતિ દરમિયાન પણ વધુ વોલ્ટેજ નોંધાયું હતું. ઉપરાંત, નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી બપોર પછીના સમય સુધી વીજળીનું ઉત્પાદન સ્થિર રહેતું જોવા મળ્યું હતું. આ ટેક્નોલોજી ભવિષ્યમાં ખેતીમાં ઉપયોગી બની શકે છે. ખાસ કરીને ઓછા વીજ વપરાશવાળા કૃષિ સેન્સર ચલાવવા અને પાકની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા માટે છોડમાંથી ઉત્પન્ન થતી વીજળી એક નવો વિકલ્પ બની શકે છે.