BREAKING NEWS

વડતાલધામ ખાતે કાર્તિકી સમૈયામાં મુખ્યમંત્રી દ્વારા શાળા અને શ્યામવલ્લભ સ્વામી સ્મૃતિ દ્વારનું લોકાર્પણ, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી હાજર રહ્યા

  • November 24, 2026 10:59 AM 


વડતાલધામ ખાતે આયોજિત કાર્તિકી સમૈયાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન સ્વામિનારાયણ, સંતો અને આચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કરી વિવિધ લોકહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે વડતાલ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીહરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમાર શાળા તથા શ્યામવલ્લભ સ્વામી સ્મૃતિ દ્વારનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. સાથે જ ગુજરાતના પ્રથમ લોકભાગીદારી આધારિત સોલાર વિલેજ બનવા જઈ રહેલા પીપળાવ ગામના સોલાર વિલેજ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો.   


આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેવ, સાધુ-સંતો અને આચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જ અમે અહીં આવ્યા છીએ. સંતોના આશીર્વાદ એ અમારી તાકાત છે. ભગવાન સ્વામિનારાયણે સૌને સાથે લઈને ચાલવાનો સંદેશ આપ્યો છે અને આપણે પણ એ જ માર્ગે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાનના પ્રયાસોથી દેશના ૫૦ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જે સર્વસમાવેશક વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.   


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારી શાળા મંદિર દ્વારા બનાવી આપવામાં આવી છે તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. આ સમૈયામાં આસ્થા અને ભક્તિની સાથે શિક્ષણનો અધ્યાય પણ જોડાયો છે. વિકાસ અને વિરાસતને સાથે લઈને કેવી રીતે આગળ વધી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ આજનો આ પ્રસંગ છે. અંતમાં તેમણે સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.   


મંદિરના પટાંગણમાં મુખ્યમંત્રીનું આગમન થતાં ઉપસ્થિત સત્સંગીઓએ ભાવભેર જયઘોષથી સ્વાગત કર્યું હતું. લોકોનો પ્રેમ જોઈને મુખ્યમંત્રીએ પ્રોટોકોલની પરવા કર્યાં વિના સત્સંગીઓ વચ્ચે જઈને સ્થાન ગ્રહણ કર્યું હતું, જેને પગલે સમગ્ર વાતાવરણ જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. ત્યારબાદ તેમણે નિજમંદિરમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવનાં દર્શન અને પૂજા-અર્ચના કરી નવા વર્ષ માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતા.   


આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે મંત્રીઓ રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા, કમલેશ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, યોગેશભાઈ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ), તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ), અધિક કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.), નડિયાદના ડીવાયએસપી સહિતના વહીવટી અને પોલીસ વિભાગના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.   


મહોત્સવના મંચ પર આગમન થતાં મુખ્યમંત્રીએ સૌપ્રથમ સંતો, વ્યાસપીઠ અને આચાર્યને વંદન કર્યાં હતા. નૌતમપ્રકાશ સ્વામીએ સ્વાગત પ્રવચન દ્વારા મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ દેવપ્રકાશ સ્વામી (વડતાલ), હરિજીવન સ્વામી (ગઢપુર), પી.પી. સ્વામી (જૂનાગઢ), નીલકંઠચરણ સ્વામી (જેતપુર), બાલમુકુંદ સ્વામી (સરધાર) સહિતના સંતોએ પુષ્પહાર અર્પણ કરી મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું અને આશીર્વાદ પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ તેજસભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અલ્પિતભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ રોહિત બલર સહિતના દાતાઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.   


પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે પીપળાવ ગામને સોલાર વિલેજ બનાવવાના પ્રકલ્પનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગામના પ્રતિનિધિને પ્રથમ પ્રમાણપત્ર અર્પણ કરી તેમણે આ પહેલને બિરદાવી હતી. સહકારી ક્ષેત્રના અગ્રણી અને સંસ્થાના ટ્રસ્ટી તેજસભાઈ બિપીનભાઈના સંકલ્પ તથા પ્રયાસોની પણ તેમણે પ્રશંસા કરી હતી.   


મુખ્યમંત્રીના વરદહસ્તે સોલાર સિસ્ટમ મેળવનારા લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારે સભામંડપમાં ઉપસ્થિત સૌએ હર્ષનાદ સાથે આ પહેલને વધાવી લીધી હતી. નોંધનીય છે કે વડતાલ સંસ્થા દ્વારા દિવાળી બોનસના ભાગરૂપે સોલાર પેનલ આપવાની અનોખી પહેલ પણ કરવામાં આવી છે. આ રીતે ધાર્મિક સંસ્થા દ્વારા સામાજિક સેવા, પર્યાવરણ જતન અને જનકલ્યાણના ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીનું વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.   


કાર્યક્રમના અંતે મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, સંતો, અધિકારીઓ, દાતાઓ અને હરિભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીમંડળના તમામ સભ્યોને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને અવિરત જનસેવા કરવાની અખંડ શક્તિ પ્રાપ્ત થાય.

   
   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News