BREAKING NEWS

કાર, બંગલો અને સરકારી નોકરી... તો પણ ઝુંટવી રહ્યા રહ્યા છે ગરીબોનું રાશન: સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

  • November 24, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા દરે અનાજ પૂરું પાડવા તેમજ તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' ચલાવવામાં આવી રહી છે. જોકે, આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સરકારી અધ્યયનમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે જે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી મફત અનાજ પહોંચાડવાનો છે, તેનો લાભ એવા સંપન્ન પરિવારો પણ ઉઠાવી રહ્યા છે જેઓ સરકાર દ્વારા નિર્ધારિત પાત્રતાની શરતો પૂરી કરતા નથી. આ અપાત્ર લાભાર્થીઓમાં પોતાની કાર અને એસી જેવી મોંઘી સુવિધાઓ ધરાવતા, ત્રણ કે તેથી વધુ રૂમના પાકા મકાનમાં રહેતા અને પરિવારમાં સરકારી નોકરી કરનાર સભ્ય ધરાવતા પરિવારોનો પણ સમાવેશ થાય છે.   


કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા કરાવવામાં આવેલા આ વ્યાપક અધ્યયન મુજબ, દેશભરમાં મફત રાશન મેળવતા કુલ પરિવારોમાંથી 13.2 ટકા પરિવારો અપાત્ર હોવાનું સામે આવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણમાં દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના કુલ 51,303 લાભાર્થી પરિવારોનો સમાવેશ કરીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.   


રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો, મફત રાશન યોજનામાં ગેરરીતિના મામલે પશ્ચિમ બંગાળ દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યાં સૌથી વધુ 39.5 ટકા લાભાર્થીઓ અપાત્ર મળી આવ્યા છે. ત્યારબાદ ત્રિપુરામાં આ આંકડો 39.2 ટકા અને તમિલનાડુમાં 38.7 ટકા નોંધાયો છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો મેઘાલયમાં 28.5 ટકા, બિહારમાં 25.5 ટકા, ઓડિશામાં 22.9 ટકા, પંજાબમાં 20.6 ટકા અને મહારાષ્ટ્રમાં 20.3 ટકા પરિવારો પાત્રતાના માપદંડોમાં ખરા ઉતરતા નથી.   

બીજી તરફ, મધ્યપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સ્થિતિ ઘણી સંતોષકારક જોવા મળી છે. અધ્યયન મુજબ મધ્યપ્રદેશમાં માત્ર 0.5 ટકા, હરિયાણામાં એક ટકા અને રાજસ્થાનમાં 1.8 ટકા લાભાર્થીઓ જ અપાત્ર જણાયા છે. આ રાજ્યોમાં અપાત્રતાનો દર રાષ્ટ્રીય સરેરાશ 13.2 ટકાની સરખામણીમાં ઘણો ઓછો છે, જે દર્શાવે છે કે ત્યાં લાભાર્થીઓની ઓળખ અને વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ છે.   


આ સર્વેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટપણે ઉભરી આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરી વિસ્તારોમાં અપાત્ર લાભાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી છે. શહેરી ક્ષેત્રોમાં 15.6 ટકા લાભાર્થીઓ અપાત્ર મળ્યા છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં આ દર 12.5 ટકા રહ્યો છે. વધુમાં, અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતા પરિવારોમાં 12.2 ટકા અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોમાં 13.4 ટકા અપાત્રતા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં પાત્રતા નક્કી કરવાના નિયમો અલગ-અલગ હોય છે.   


સરકારી તિજોરી પર પડતા બોજની દ્રષ્ટિએ આ અભ્યાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26માં ખાદ્ય સબસિડી પાછળ 2.28 લાખ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ મહત્તમ 81.35 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે, અને ઓક્ટોબર 2026 સુધીમાં 78.63 કરોડ લોકો તેના દાયરામાં સામેલ હતા. હવે આ રિપોર્ટ બાદ અપાત્ર લોકોના નામ રદ કરીને ખરા જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચાડવા સરકાર દ્વારા કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application