દેશના હોસ્પિટાલિટી અને હોટલ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હોટલ રૂમ દીઠ સરેરાશ આવક (આરઇવીપીએઆર)રૂ.6,099ની વિક્રમી સપાટીએ પહોંચી છે. જોકે, આ તેજી વચ્ચે ગુજરાતના પાંચ અગ્રણી શહેરો હોટલ કમાણીની બાબતમાં દેશમાં તળિયે ધકેલાયા છે. હોટેલિવેટ-સેવિલ્સના ‘2026 ઈન્ડિયન હોસ્પિટાલિટી’ રિપોર્ટ મુજબ, દેશના તળિયાના 15 શહેરોની યાદીમાં કેવડિયા બીજા ક્રમે રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા, દ્વારકા અને ગાંધીનગરની કમાણી પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ અડધી કે તેથી ઓછી રહી છે, જે રાજ્યના હોટલ ઉદ્યોગ માટે ચિંતાનો વિષય બન્યો છે.
રાજ્યના મુખ્ય શહેરોના આંકડાઓ પર નજર કરીએ તો, કેવડિયાનો આરઇવીપીએઆર રૂ.1,954 નોંધાયો છે, જે દેશમાં બીજા ક્રમે સૌથી ઓછો છે. રાજકોટમાં ગત વર્ષના રૂ.2,787ની સરખામણીએ કમાણી ઘટીનેરૂ.2,758 થઈ છે અને તે તળિયાના 15 શહેરોમાં સામેલ છે. બીજી તરફ, વડોદરા રૂ.2,589થી વધીને રૂ.2,945, દ્વારકા રૂ.2,855થી વધીને રૂ.3,021 અને ગાંધીનગર રૂ.3,068થી વધીને રૂ.3,385ની કમાણીમાં ગત વર્ષ કરતાં સુધારો જરૂર થયો છે, તેમ છતાં આ શહેરો હજુ તળિયાના 15 શહેરોની યાદીમાંથી બહાર આવી શક્યા નથી. જોકે, સુરતે રૂ.3,175 નોંધપાત્ર સુધારો કરીને તળિયાની યાદીમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી છે.
કેવડિયા અને રાજકોટ જેવા ઉભરતા માર્કેટ તળિયે ધકેલાવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ, આ શહેરોમાં પ્રવાસીઓની માંગ બારેમાસ એકસરખી રહેવાને બદલે સીઝનલ અને મર્યાદિત છે. બીજું, ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અહીં હોટલ રૂમનો સપ્લાય ઝડપથી વધારવામાં આવ્યો છે, પરંતુ તેની સામે બજારમાં પૂરતી માંગ ઊભી ન થતાં ઓવરસપ્લાયની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે રૂમ ભરવાનું અને ભાડા ટકાવી રાખવાનું દબાણ વધ્યું છે. ત્રીજું, ટિયર-1 શહેરોમાં 69 ટકાથી વધુ હોટલ રૂમ 70 થી 90 ટકા ઓક્યુપન્સી પર ચાલે છે, જ્યારે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં અડધાથી વધુ સપ્લાય માત્ર 40 થી 60 ટકા ઓક્યુપન્સી પર જ સીમિત રહે છે.
એક તરફ જ્યાં અન્ય શહેરો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યાં અમદાવાદ દેશના ટોચના ગ્રોથ માર્કેટ તરીકે ચમક્યું છે. અમદાવાદે 73.4 ટકા ઓક્યુપન્સી અને 10.1 ટકાના ઉછાળા સાથેરૂ.4,171નો આરઇવીપીએઆર ગત વર્ષેરૂ.3,789 હાંસલ કર્યો છે. વિમાન દુર્ઘટના અને ‘ઓપરેશન સિંદૂર’ જેવી ઘટનાઓની અસર છતાં ડબલ ડિજિટ આરઇવીપીએઆર ગ્રોથ મેળવનાર દેશના માત્ર 7 શહેરોમાં અમદાવાદે સ્થાન મેળવ્યું છે. શહેરમાં સરેરાશ રૂમ ભાડું 6.9 ટકા વધીનેરૂ.5,683 થયું છે. હાલ અમદાવાદમાં 5,077 બ્રાન્ડેડ રૂમ છે, અને વધતી કોમર્શિયલ માંગ તેમજ 1.39 કરોડ એર-પેસેન્જર ટ્રાફિકને પગલે આગામી પાંચ વર્ષમાં 70 ટકા વિસ્તરણ સાથે 3,552 નવા બ્રાન્ડેડ રૂમ ઉમેરવાનું આયોજન છે. નવા રૂમની પાઈપલાઈનમાં અમદાવાદ દેશમાં આઠમા ક્રમે છે.
રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો, 2025-26માં દેશમાં સરેરાશ રૂમ ભાડું 6.4 ટકા વધીનેરૂ.8,962 અને આરઇવીપીએઆર 6.2 ટકા વધીનેરૂ.6,099 થયું છે, જ્યારે ઓક્યુપન્સી 68.1 ટકા પર સ્થિર રહી છે. ગુજરાત સહિતના વેસ્ટ ઝોનમાં 70.1 ટકા ઓક્યુપન્સી અને રૂ.6,082 આરઇવીપીએઆર નોંધાયું છે, પરંતુ અહીં ગ્રોથ માત્ર 3.4 ટકા રહ્યો છે જે ચારેય ઝોનમાં સૌથી ઓછો છે. દેશમાં હાલના 2,09,180 બ્રાન્ડેડ રૂમ સામે 2030-31 સુધીમાં 1.61 લાખ ( પ્લસ 77 ટકા) નવા રૂમ પ્રસ્તાવિત છે, જેમાંથી 72 ટકા પર કામ ચાલુ છે અને 49.1 ટકા ટિયર-3 શહેરોમાં આવશે. જોકે, દેશની દર ચારમાંથી એક હોટલના આરઇવીપીએઆરમાં ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે સ્થાનિક માંગને યોગ્ય રીતે સમજ્યા વિના કરવામાં આવતું રોકાણ જોખમી સાબિત થઈ શકે છે.