ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણનો એકશન આવી ગયો છે અને હવે રી-એકશનનો સમય છે, જયાં સુધી સૌરાષ્ટ્રને લાગે વળગે છે ત્યાં સુધી સો ટકા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વઘ્યું છે, પરંતુ જામનગર અને દેવભુમિ દ્વારકા એટલે કે હાલારના આ બંને જિલ્લાને જોતા એવું લાગે છે કે, નવા વિસ્તરણમાં હાલારની રાજકીય તાકાતનું જાણે વિસર્જન થયું છે, અન્યાય થયો છે એવું પણ કહી શકાય, કારણ કે કેબીનેટ કક્ષાના બે મંત્રાલય લઇને જામનગરને માત્ર રાજય કક્ષાનો એક પોર્ટફોલીયો આપવામાં આવ્યો છે. ગઇકાલે શપથવિધી બાદ સમયના અભાવે પોર્સ્ટમોટમ કરી શકાયું ન હતું, પરંતુ હવે જયારે આખી સ્થિતિ પર નજર નાખીએ ત્યારે હાલારનું પ્રભુત્વ ઘટયું હોવાનું નજરે પડે છે.
સિનીયર અને અનુભવી રાઘવજીભાઇ પટેલ કૃષિ અને ગ્રામીણ વિકાસના કેબીનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા હતાં, એમની વય અને તબીયતના કારણે નવા મંત્રીમંડળમાંથી એમની બાદબાકી લગભગ નિશ્ર્ચિત માનવામાં આવતી હતી અને એવું જ થયું છે, ઘણું ભોગવી ચૂકેલા રાઘવજીભાઇને ભાજપે હવે આરામ કરવાની તક આપી છે.

બીજુ મોટુ નામ છે, મુળુભાઇ બેરાનું કે જે પણ પાછલી સરકારમાં કેબીનેટ મંત્રી હતાં, વન-પર્યાવરણ અને પ્રવાસન-સાંસ્કૃતિક જેવા મોભાદાર મંત્રાલય ધરાવતા હતાં, વિસ્તરણમાં એમનો સમાવેશ થશે એવું લગભગ બધા માનતા હતાં અને નો-રીપીટની થીયરી જયારે ચાલી ત્યારે મુળુભાઇ બેરાનો સમાવેશ સ્વભાવીક હતો, આમ છતાં એ થયું નથી અને એમને પણ એક રીતે રાજકીય સન્યાસ પ્રકારનું કાંઇક આપવામાં આવ્યું છે.
સરવાળે વાત એ આવે છે કે, કેબીનેટ કક્ષાના બે મંત્રાલય હાલાર પાસેથી ગયા છે અને બદલામાં રાજય કક્ષાનું મંત્રાલય જામનગરને મળ્યું છે, જેનો અર્થ એ થાય છે કે, વિસ્તરણમાં હાલારને કયાંકને કયાંક પાછલી સરકાર કરતા આ વખતે અન્યાય થયો છે, જામનગરમાંથી રીવાબા જાડેજાને લેવામાં આવ્યા, પરંતુ દેવભુમિ દ્વારકાને તો રીતસરનો ઠેંગો દેખાડવામાં આવ્યો હોવાનું પણ વિસ્તરણ બાદના વિશ્ર્લેષણમાંથી સપાટી પર આવે છે.
હાલાર જ્ઞાતિની દ્રષ્ટિએ પટેલ ડોમીનેટેડ બેઠક છે, લોકસભામાં સૌથી વધુ વોટ પાટીદારોના છે, આ પછી મુસ્લિમો, આહીર, ક્ષત્રિય જેવી જ્ઞાતિઓ મુખ્ય આવે છે, આ જોતા નવા મંત્રીમંડળમાં ક્ષત્રિયને સ્થાન અપાયું, પરંતુ જામનગર જિલ્લાની દ્રષ્ટિએ પાટીદાર અને આહીર સમાજનું પ્રતિનિધિત્વ લઇ લેવામાં આવ્યું છે.

દરેક લોકો મંત્રીમંડળના વિસ્તરણનું પોતાની રીતે મુલ્યાંકન કરી રહ્યા છે, કેટલાક લોકો એમ પણ કહે છે કે, પાછલી સરકારમાં હાલારના બંને જિલ્લા એટલે કે જામનગર અને દ્વારકાને બે કેબીનેટ કક્ષા અપાઇ હતી અને સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ એ થોડુ વધુ પડતું હતું, તો કેટલાક એમ પણ કહે છે કે, રાઘવજીભાઇની તબીયત તો સમજયાં પરંતુ સો ટકા ફીટ એવા મુળુભાઇ બેરાને બેસાડવા પાછળનું કોઇ વિશેષ કારણ હોઇ શકે જે ભાજપની હાઇ કમાન્ડ જ જાણે છે.
વિસ્તરણ બાદ ખુણે-ખાંચરે બાદબાકી અને નવા નામની ચર્ચાઓ ચાલી રહી છે, એક વર્ગ એવું પણ માને છે કે, રાઘવજીભાઇ અને મુળુભાઇ બેરા પાછળ કોર્પોરેટ જગતનો સપોર્ટ હતો અને આ સપોર્ટ જ કદાચ એમની બાદબાકી માટે નિમીત બન્યો છે.
જેમ આપણે ઉપર ચર્ચા કરી તેમ પાછલી સરકારમાં જામનગર-દ્વારકા પાસે કૃષિ, વન, પર્યાવરણ જેવા કેબીનેટ કક્ષાના પોર્ટફોલીયો હતાં, પરંતુ વિસ્તરણ બાદ હવે જામનગર પાસે પ્રાથમિક, માઘ્યમિક શિક્ષણ જેવું રાજય કક્ષાનું ખાતુ ભાગે આવ્યું છે, જે લોલીપોપ સમાન હોવાનું રાજકીય વિશ્ર્લેષકો જોઇ રહ્યા છે.
મહાનગરપાલીકા, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીઓ ખુબ નજીક છે, ભાજપમાં માની લઇએ કે ભરપૂર આત્મવિશ્ર્વાસ છે અને કદાચ આ ચૂંટણીઓને વિસ્તરણમાં ઘ્યાનમાં લેવામાં આવી હોય કે નહીં તે નકકી થતું નથી, પરંતુ એક વાત નિશ્ર્ચિત છે કે, બે બાદબાકી અને એક ક્ષત્રિયના સમાવેશથી જામનગરનું રાજકીય કલેવર આવનારા સમયમાં બદલાશે, નવા સમીકરણો સર્જાશે અને હવે જોવાનું એ રહે છે કે, આવનારી ચૂંટણીઓમાં શું સીનારીયો સર્જાય છે.
રાજકારણમાં જ્ઞાતિ ઉપરાંત પારીવારીક રાજકીય વારસાનું પણ મહત્વ રહ્યું છે, દેશના ખ્યાતનામ પરીવારોથી લઇને સ્થાનિક કક્ષાએ રાજકારણીઓ પોતાના સંતાનોને પ્રમોટ કરતા આવ્યા છે, પરંતુ જયાં સુધી જામનગર જિલ્લાને લાગે-વળગે છે ત્યાં સુધી અહીંના રાજકીય ધુરંધરો પોતે ભલે નામ કમાવી ગયા હોય, પરંતુ પારાવારીક રાજકીય વારસો આગળ વધી શકે એવું લાગતું નથી.
ભૂતકાળથી ચાલું કરીએ તો પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલના પુત્ર રાજકીય રીતે એક હદ સુધી સીમીત રહ્યા, પૂર્વ મંત્રી ડો.દિનેશ પરમારના પુત્ર કોર્પોરેશન સુધી પહોંચી શકયા, પૂર્વ મંત્રી પરમાણંદ ખટ્ટરના પરીવારમાંથી પણ કોઇ રાજકીય રીતે આગળ વધી શકયું નહીં, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીના પરીવારમાંથી પણ રાજકીય સ્ટેજ પર કોઇ નવો ચહેરો ઉદય થઇ શકયો નહીં, પૂર્વ સાંસદ વિક્રમ માડમે એમના પુત્રને જિલ્લા પંચાયતની બેઠક પર ચૂંટણી જરૂર લડાવી પરંતુ તેમાં પરાજય થયો અને એમનો પારીવારીક રાજકીય વારસો હજુ સુધી આગળ વધી શકયો નથી.

આ જ રીતે જોઇએ તો પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાના સંતાનો પણ રાજકીય રીતે કયાંય મેદાનમાં દેખાયા નથી અને લગભગ રાજકારણમાં ઋચી નહીં ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે, એટલે એમનો પણ રાજકીય વારસો આગળ વધી શકશે નહીં, પૂર્વ મંત્રી રાઘવજીભાઇ પટેલના પુત્ર જિલ્લા પંચાયતના રાજકારણ સુધી પહોંચી શકયા પરંતુ એ થી આગળ વધી શકયા નથી અને જે રીતે રાઘવજીભાઇ પટેલે પોતાની શાખ ઉભી કરી એ પ્રકારનું કોઇ હવે એમના પરીવારમાંથી રાજકીય વારસો આગળ વધતો દેખાતો નથી. આમ ખુબ ધુરંધર રાજકારણી તરીકે જામનગર જિલ્લામાં ઉપસેલા આ ચહેરા પારીવારીક રાજકીય વારસો આગળ વધારી શકયા નથી એ બાબત પણ જામનગરના રાજકીય ઇતિહાસ માટે નોંધપાત્ર રહેશે.
વસુબેન, પૂનમબેન, હવે રીવાબા: જામનગર પર મહીલાઓનું એકધારૂ પ્રભુત્વ
રાજકીય દ્રષ્ટિકોણથી જામનગર શહેર અને જિલ્લા પર મહીલા નેતાઓનું છેલ્લા બે દાયકાથી ગજબનું પ્રભુત્વ રહ્યું છે, સૌ પ્રથમ વસુબેન ત્રિવેદી એવા હતાં કે જે ત્રણ ટર્મ ચૂંટાયા હતાં, મહીલા બાળ વિકાસ અને શિક્ષણ ખાતાના મંત્રી બન્યા હતાં, મહાનગરપાલીકામાં પણ એમનું ધાર્યુ થતું હતું અને કેટલાક રાજકીય ચહેરા એવા પણ આજે હૈયાત છે જે માત્ર વસુબેનની મહેરબાનીથી કાંઇક મેળવી શકયા, આ પછી ખંભાળીયાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ત્રણ ટર્મથી સાંસદ તરીકે રહેલા પૂનમબેન માડમનું નામ વસુબેન ત્રિવેદી પછી મહીલા નેતા તરીકે સૌથી મોટુ છે અને આજે પણ એમનો પ્રભાવ છે, વજન છે, પ્રભુત્વ છે, શહેર અને જિલ્લાભરમાં પૂનમબેન માડમ પોતાનું વર્ચસ્વ ધરાવે છે, હવે મહીલાઓની આ બ્રિગેડમાં રીવાબા જાડેજાનું નામ પણ આવી ગયું છે, કારણ કે તેઓ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે અને સ્વભાવીક રીતે જામનગર શહેર-જિલ્લા પર એમનું પ્રભુત્વ વધશે.
શું કોર્પોરેટની તાકાત ઘટી ?: મુળુભાઇના કપાવા પાછળના કારણ કોઇને સમજાતા નથી
નવા મંત્રીમંડળમાં છ જુના એટલે કે પાછલી સરકારના મંત્રીઓને રીપીટ કરવામાં આવ્યા છે અને નો-રીપીટ થીયરીનો છેદ ઉડી ગયો છે, જયારે નો-રીપીટ થીયરી ચલાવાની ન હતી તો પછી કેબીનેટમાંથી મુળુભાઇ બેરાની શું કામ બાદબાકી કરાઇ ? એ મુદો હજુ બધાને પુરી રીતે સમજાયો નથી, કયાંક-કયાંક એવી ગપશપ પણ ચાલે છે કે, રાઘવજીભાઇનું તો નિશ્ર્ચિત હતું, પરંતુ મુળુભાઇ બેરાના કપાવા પાછળ કોર્પોરેટ જગતની રાજકારણ પરની તાકાત ઘટી હોવાનો કયાંકને કયાંક સંકેત મળે છે. નોંધનીય છે કે, જામનગર જિલ્લા પર ‘કંપની’ અર્થાત કોર્પોરેટ જગતનો પડદા પાછળ મહત્વનો રોલ રહ્યો છે અને છેલ્લા દોઢ દાયકામાં આ તાકાતમાં વધારો થયો હતો, પરંતુ હવે કોર્પોરેટ તાકાત ઘટી હોવાનું કેટલાક લોકો જોઇ રહ્યા છે.
રીવાબા જાડેજાની કેટલીક વિશેષતાઓ....
ગુજરાતના રાજયમંત્રી તરીકે વરાયેલા ૭૮-જામનગર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે કેટલીક વિશેષતાઓ જોડાયેલી છે....એક તો પહેલી જ ટર્મમાં ચૂંટાઇને તેઓ મંત્રી બની ચૂકયા છે, વર્તમાન મંત્રીમંડળમાં ૩૫ વર્ષની વયના સૌથી નાના મંત્રી છે, મીકેનીકલ એન્જીનિયર સુધીનો અભ્યાસ છે અને ૯૮ કરોડની સંપતિ સાથે તેમા પણ એમનો ઘોડો આગળ છે અને સૌથી મોટી વાત એ કે તેઓ આંતરરાષ્ટ્રિય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે.