જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા વેસ્ટ ટુ એનર્જી્ પ્લાન્ટ ના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી રહી છે, તેવી સ્થાનિકોની રજૂઆત બાદ ગુજરાત રાજ્યના વિધાનસભા સત્રમાં હાજર રહેલા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ઉપરોક્ત કંપની સામેની ફરિયાદના સંદર્ભમાં મહાનગરપાલિકાના તંત્રને એક્શન લેવા માટેની સૂચના અપાયા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક વિસ્તારના ભાજપના કોર્પોરેટરો વગેરેએ સ્થળ પરની મુલાકાત લીધી હતી, અને સ્વચ્છતા બાબતે કંપનીના ફરજ પરના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય વિધાનસભાનું સત્ર હાલમાં ચાલી રહ્યું છે, અને આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, કે જેઓ હાલ સત્રમાં ઉપસ્થિત છે, પરંતુ સ્થાનિક વિસ્તારના નાગરિકો તરફથી વેસ્ટ ટુ એનર્જી્ પ્લાન્ટ માં કચરાના પ્રોસેસિંગ દરમિયાન દુર્ગંધ પ્રસરી રહી છે, અને જરૂરી દવાના છંટકાવ માં કમી વર્તાઈ રહી છે, વગેરે રજૂઆતો મળી હતી.
જેથી તાત્કાલિક અસરથી આ બાબતે યોગ્ય કરવા માટે રિવાબા જાડેજા જામનગર મહાનગરપાલિકાના લગત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. જેઓની સૂચન મળ્યા બાદ આજે બપોર બાદ મહાનગરપાલિકાના આસી. કમિશનર અને સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા તેઓની ટીમ સાથે વેસ્ટ ટુ એનર્જી્ પ્લાન્ટના સ્થળે પહોંચ્યા હતા, અને સ્થળ પરનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ તેઓની સાથે વોર્ડ નંબર બે, ત્રણ, અને ચાર ના ભાજપના કોર્પોરેટરો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં કંપની દ્વારા બહાર રાખવામાં આવેલો કચરો તાત્કાલિક અસરથી ઉપાડી લેવા, અને જરૂરી સફાઈ કરી દેવા માટેની કડક સુચના આપી દેવામાં આવી હતી. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પણ આ સ્થળની અઠવાડિયામાં બે વખત વિઝીટ કરવામાં આવશે, અને સફાઈ બાબતેનું પ્રતી દિનનું તમામ રિપોર્ટિંગ આપવાનું રહેશે, તેવી પણ સૂચના અપાઇ હતી.
કંપની દ્વારા આસપાસના વિસ્તારમાં ડિઓ. સ્પ્રે. કરવામાં આવે છે, તેની માત્રામાં વધારો કરવા, અને તેની નોઝલ વગેરે બરાબર કામ ન આપતી હોય, તેવી પરિસ્થિતિમાં તેની માવજત કરીને સ્થાનિક વિસ્તારમાં વધુ દર્ગંધ ન ફેલાય, તે બાબતે યોગ્ય કરવા કંપનીના લગત કર્મચારી ને સૂચના આપી દેવામાં આવી છે.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ આ બાબતે તેનું દરરોજ મોનિટરિંગ કરવામાં આવશે, સાથો સાથ નજીકના ભવિષ્યમાં જ આ કંપનીને અન્યત્ર સ્થળાંતર કરવાની પણ વિચારણા ચાલી રહી છે, તેમ જણાવાયું છે.