હજુ તો ઉનાળાની શરૂઆત માંડ થઈ છે ત્યાં પ્રારંભથી જ સૂર્યનારાયણ દેવતાએ આકરા તેવર દેખાડવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે ધુળેટીના દિવસે રાજકોટમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી હતું જે ઉનાળાની સિઝનમાં આ સમયગાળામાં હોવું જોઈએ તેના કરતાં ૫.૧ ડિગ્રી વધુ હતું. માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ઊંચે ચડી ગયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ગરમીના પ્રમાણમાં વધારો થશે. માત્ર ગુજરાત નહીં પરંતુ નોર્થ વેસ્ટના મોટાભાગના રાજ્યોમાં ચાલુ સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાનના પ્રમાણમાં વધારો થશે અને તે એવરેજ કરતા ચાર થી છ ડિગ્રી વધુ રહેશે.
ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન 39.6 ડિગ્રી ઓરિસ્સાના જારસુગુડામા નોંધાયું હતું. રાજકોટમાં તેના કરતાં મામૂલી ઓછું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું.
વેરાવળમાં 5.2 કંડલામાં 5.5 અને ગાંધીનગરમાં પાંચ ડિગ્રી વધુ તાપમાન નોર્મલ કરતા ગઈકાલે નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં એકાએક ગરમીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ગઈકાલે અમદાવાદમાં 38.6, અમરેલીમાં 38.3, વડોદરામાં 38, ગાંધીનગરમાં 38, ભાવનગરમાં 36.4, કંડલામાં 37.4, નલિયામાં 30.6, પોરબંદરમાં 37.6, વેરાવળમાં 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં માત્ર ઓખા અને દ્વારકામાં 30 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું હતું. દ્વારકામાં ગઈકાલે 27.8 ડિગ્રી મહત્તમ તાપમાન હતું જે એવરેજ કરતા પણ પોણો ડીગ્રી જેટલું ઓછું હતું. ઓખાનું ગઈકાલનું લઘુતમ તાપમાન 29.1 ડિગ્રી હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ અને કોકણમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 6 સુધી એટલે કે આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.
જોકે આજે દિવસની શરૂઆત પણ ઊંચા લઘુતમ તાપમાન સાથે થઈ હતી. રાજકોટમાં આજે લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું પરંતુ ગણતરીના કલાકોમાં જ સવારે 8:30 વાગ્યે તે 23 ડિગ્રીને પાર કરી ગયું હતું. દ્વારકામાં 21.7, નલિયામાં 15.8, ઓખામાં 21.6 અને સુરતમાં 20.2 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું હતું. દરિયાકાંઠાના દ્વારકા નલિયા અને ઓખામાં ભેજનું પ્રમાણ આજે વધારે રહ્યું હતું. દ્વારકામાં 88, નલિયામાં 81 અને ઓખામાં 84% ભેજ આજે સવારે નોંધાયો હતો.