રાષ્ટ્રીય સ્તરે જુદા જુદા સ્થળોએ અને યુનિવર્સિટીઓમાં દર બે વર્ષે યોજાતી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બીમ્સ કોન્ફરન્સનું યજમાનપદ આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. આજથી આગામી તારીખ નવ સુધી આ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની આ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી 250 થી વધુ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકો તેમનું સંશોધન પત્ર રજૂ કરશે. ત્રણ દિવસની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સ્પેન કોરિયા જાપાન જર્મની ઇઝરાયલ સહિતના દુનિયાના જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો ઉપરાંત દેહરાદુનના ડી.કે.અવસ્થિ, દિલ્હીના સુશીલ કુમાર સિંગ ભુવનેશ્વરના તપોબ્રતા સોમ, દિલ્હીના ફૌરન સિંહ, શ્યામા રાઠ, કલ્પકકમના અમીરથા પાંડીયન હૈદરાબાદના એસવીએન નાગેશ્વર, આઇઆઇટી રોપારના સુબેન્દુ સરકાર ભુવનેશ્વરના પી કે શાહુ બેલગાંવના દિનેશ રંગાપરા ભાગ લેશે.
ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં ઓરલ પ્રેઝન્ટેશન તેમજ પોસ્ટર પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે. વિદેશી અને અન્ય રાજ્યના વૈજ્ઞાનિકો સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડની સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કુલપતિ ઉત્પલ જોશી અને દિલ્હીના અવિનાશ પાંડેના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહેલી આ કોન્ફરન્સના ચેરમેન તરીકે દિલ્હીના વૈજ્ઞાનિક અંબુજ ત્રિપાઠી ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર નિકેશ શાહ ભરત કંટારીયા મુકેશ રંજન કૃણાલ મોદી આશિષ રાવલિયા પીયુષ સોલંકી જયસુખ મારકણા સહિતનાઓ કોન્ફરન્સ ની સફળતા માટે જહેમત ઉઠાવે છે.
અગાઉ આ પ્રકારની કોન્ફરન્સ પ્રયાગરાજની અલ્હાબાદ યુનિવર્સિટીમાં 2011 માં સૌ પ્રથમ મળી હતી. ત્યાર પછી દર બે વર્ષે અલગ અલગ યુનિવર્સિટીઓમાં તે યોજાય છે. 2013 માં રાજસ્થાન યુનિવર્સિટી 2017 માં ઈન્દોરની દેવી અહલ્યાબાઈ યુનિવર્સિટી 2019 માં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ કલપકકમ 2021 માં ભુવનેશ્વર ખાતે અને 2021 માં દેહરાદુન ખાતે આવી કમ્પ કોન્ફરન્સ યોજાયા પછી આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને યજમાનપદ મળ્યું છે.