BREAKING NEWS

જામનગરમાં પકડાયેલા પાંચ બાંગ્લાદેશીના મામલે તપાસનો ધમધમાટ

  • January 03, 2026 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડવામાં આવ્યા છે, એસઓજીની તપાસમાં વિગતો ખુલતા ચકચાર મચી જવા પામી છે, પાસપોર્ટ, વિઝા વગર કોઇપણ રીતે ભારતમાં પ્રવેશ કરી અમદાવાદ અને ત્યાંથી જામનગર આવ્યા હોવાની વિગતો સામે આવી છે, જેના આધારે તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહયો છે, અહીં કેવી રીતે પહોચ્યા અને મળી આવેલા અમુક બોગસ ડોકયુમેન્ટ કયાં બનાવ્યા એ દિશામાં કાર્યવાહીને આગળ ધપાવી છે અને સધન પુછતાછ કરવામાં આવી રહી છે.


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જીલ્લામાં અસામાજીક અને દેશ વિરુધી પ્રવૃતી કરતા ઇસમો પર વોચ રાખવા અને આવા શખ્સોને શોધી કાઢવા સુચના કરતા જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લો સરહદી હોય, લાંબો દરીયા કીનારો ધરાવતો હોય મહાકાય ઉધોગો હોય આ દ્રષ્ટીએ જીલ્લો સંવેદનશીલ હોય ઉપરાંત ભુતકાળના દરીયાઇ માર્ગેના ઘુસણખોરીના બનાવો અને દેશ વિરુધી પ્રવૃતીના બનાવો બનેલ છે આથી અસરકારક કામગીરી કરવા સુચના કરી હતી.


હાલમાં દેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી ગેરકાયદે વસવાટ કરનારાને શોધી કાઢવા માટે જામનગર એસઓજી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ એલ.એમ. ઝેર, પીએસઆઇ એ.વી. ખેરના માર્ગદર્શન મુજબ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, ત્યારે પીએસઆઇ ખેર તથા કોન્સ. કુલદીપસિંહ સોઢાને બાતમી મળેલ કે શહેરના પટેલ કોલોની શેરી નં. ૧૧, સ્વસ્તીક મારબલની સામે આવેલ ગુલામમયુદીન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં બાંગ્લાદેશી નાગરીક ગેરકાયદે વસવાટ કરે છે જેથી એ જગ્યાએ રેઇડ કરી હતી. 


જયાં બે પુરૂષ અને ત્રણ મહિલા મળી પાંચ બાંગ્લાદેશી નાગરીકો પાસપોટૅ, વીઝા કે ભારત સરકારની પુર્વ મંજુરી વગર દેશમાં કોઇ કારણસર ગેરકાયદે પ્રવેશ કરી મળી આવેલ જેથી બાંગ્લાદેશી નાગરીકો શાહબુદીન મોહમદ ગૌષ શેખ, મહમદઆરીફ મુઝીબલ શેખ, જમીલાબેગમ અનારદી શેખ, નઝમાબેગમ અબ્દુલ હકીમ હાઉલડર અને મુર્સીદાબેગમ મહમદઆરીફ શેખને ડીટેઇન કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 


પોલીસ દ્વારા આ અંગે તપાસનો દોર આગળ ધપાવ્યો છે, પકડાયેલા બાંગ્લાદેશીઓ અમદાવાદથી આવ્યા હોવાનું અને તેમા એક મહીલા તાજેતરમાં આવી હોવાનું ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ આઇકાર્ડ સહિતના કેટલાક બનાવટી ડોકયુમેન્ટ કયાં બનાવ્યા તેમજ અહીં કેવી રીતે આવ્યા કોના આશ્રયથી રહેતા હતા તેમનો હેતુ વિગેરે જેવા સવાલોના જવાબ મેળવવા સધન પુછતાછ અને તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે. ઉપરાંત જામનગર પોલીસ દ્વારા આ મામલે અલગ અલગ દીશામાં જીણવટભરી તપાસ આદરી છે અને અન્ય સુરક્ષા એજન્સીઓને આ મામલે જાણ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application