ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં પૂર્વ ધારાસભ્યના પૌત્રએ બે રાઉન્ડ ફાયરિંગ કરી દેવિપુજક પરિવાર કરેલા હુમલાની ઘટનાના ગંભીર પડઘા પડયા છે. રિબડા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાતે પોલીસના ઘાડેઘાડા ઉતરી પડ્યા હતા. મોડી રાત્રીના પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ કરાયું હતું. અનિરુદ્ધસિંહ જાડેજાના નિવાસસ્થાને પણ પોલીસે ચેકિંગ કર્યું હતું.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર અને અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા ધ્રુવરાજસિંહ જાડેજાએ મોડી રાત્રે સડક પીપળીયાની સીમમાં ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી હતી. ફાયરિંગ કર્યા બાદ ત્યાં રહેતા એક દેવીપૂજક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના પગલે વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો અને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચનાના પગલે આરોપી ધ્રુવરાજસિંહ જાડેજાને ઝડપી પાડવા માટે ગોંડલ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલની આગેવાની હેઠળ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં એલસીબી, ગોંડલ પોલીસની અલગ-અલગ સ્પેશિયલ ટીમો તેમજ અન્ય પોલીસ સ્ટેશનના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતાં.
પોલીસ ટીમો દ્વારા રિબડા અને સડક પીપળીયા વિસ્તારમાં આવેલા અનેક ઘરો, ખેતરો અને વાડી વિસ્તારોમાં મોડી રાતથી જ સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોપીઓ આસપાસના કોઈ ફાર્મ હાઉસ કે વાડી વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાને પગલે દરેક સંભવિત સ્થળો ખૂંદી વળવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજાના નિવાસસ્થાને પણ પોલીસે કડક સુરક્ષા વચ્ચે ચેકિંગ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફાયરિંગની આ બનાવમાં પોલીસે કરણ સુનિયા બામણીયા (રહે.વરજર ગામ, અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે.સર્વોદય સોસાયટી શાપર), સમીર કાસમ વિસળ (રહે.હડમતીયા ભેસાણ), સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલા (રહે. ગુંજાલા તા. દેત્રોજ) અને એક બહુચરાજીના સગીરની ની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધા ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે.રીબડા) હજુ પણ પોલીસ પકડથી દૂર છે.