ગોંડલના જાટ યુવકના ચકચારી મોત કેસની તપાસ હવે એસપી, ડીવાયએસપી દ્વારા નવેસરથી કરાશે તેવો હુકમ હાઇકોર્ટે કર્યો છે, હાલ સુરેન્દ્રનગરના જીલ્લા પોલીસવડા અને જામનગરના પુર્વ એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોપવામાં આવી છે. અને આ કેસમાં હાઇકોર્ટ હવે મોનીટરીંગ કરશે તેવુ જાણવા મળ્યું છે.
ગોંડલમાં રાજસ્થાની યુવકના રહસ્યમય મોતના કેસમાં પીડીત પરિવારજનો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં સીબીઆઇ તપાસની દાદ માંગતી કરેલી રીટ અરજીમાં જસ્ટીસ હસમુખ ડી. સુથારે એક આદેશ મારફતે સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર જીલ્લાના એસપી પ્રેમસુખ ડેલુને સોપી દીધી છે, રહસ્યમય મોત કેસની તપાસ નવેસરથી અને ફરીથી કરવા આદેશ કર્યો હતો, કેસની તપાસમાં એસપી પ્રેમસુખ ડેલુ સાથે ધાંગ્રધ્રાના ડીવાયએસપી જી.ડી. પુરોહીત પણ સાથે રહેશે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે કેસની તપાસ પર હાઇકોર્ટનું મોનીટરીંગ રહેશે, કેસની ફેર તપાસ કરી તેનો વિગતવાર રીપોર્ટ રજુ કરવા પણ હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી બે મહિના બાદ મુકર્રર કરી હતી.
જાટ યુવકના રહસ્યમય મોત કેસમાં પોલીસની વાહીયાત અને અનેક શંકાઓ અને સવાલોના ઘેરામાં રહેલી તપાસને લઇ પોલીસ અને રાજય સરકારનો ઉઘડો લઇ નાખ્યો હતો, હાઇકોર્ટે એક તબકકે ગંભીર ટકોર કરી હતી કે પ્રથમ દર્શનીય રીતે જ આ કેસની તપાસ અન્ય સ્વતંત્ર તપાસનીશ એજન્સીને ટ્રાન્સફર કરવા માટેનો ફીટ કેશ જણાય છે, હાઇકોર્ટે આ કેસમાં અનેક શંકાસ્પદ અને રહસ્યમય વાતોને લઇને એક તબકકે જાટ યુવકના કેસમાં ગંભીર આશંકા વ્યકત કરી હતી. કેસની તપાસ હાલના સુરેન્દ્રનગર એસપી અને જામનગરના પુર્વ એસપી પ્રેમસુખ ડેલુને સોપીને તપાસ ટ્રાન્સફર થતા પીડીત પરિવારને ન્યાયની આશા બંધાઇ છે.