આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં લાંબા સમયથી ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ સર્જાયો છે. સોનાના ભાવ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ આજે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આજે સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી હતી. એમસીએક્સ પર સોનાના ભાવ રૂ. 21,250 ઘટીને 1,59,250 ઉપર પહોંચી ગયા હતા જયારે ચાંદીના ભાવ 55,000 ઘટીને 3,51,900 ઉપર પહોચ્યા હતા. જેના કારણે રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે પ્રોફિટ બુકિંગ અને અમેરિકન ડૉલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓમાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું બજાર નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આજે સવારે કારોબારમાં એમસીએક્સ પર સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. એમસીએક્સ ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર્સ રૂ. 10,000 અથવા 6 ટકાથી વધુ ઘટીને રૂ.1,59,250 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ, યુએસ સ્પોટ ગોલ્ડના ભાવ 5.7 ટકા ઘટીને ડોલર 5,104.6 પ્રતિ ઔંસ થયા હતા, જે ડોલર 5,595 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
સ્પોટ ગોલ્ડ ડોલર 5,400 પર ટ્રેડ થઈ રહ્યું હતું
આજે એશિયન ટ્રેડિંગ દરમિયાન સ્પોટ ગોલ્ડ ડોલર 5,400 પર ટ્રેડ થઈ રહ્યું હતું. ગઈકાલે કિંમતી ધાતુ 5.7 ટકા થી વધુ ઘટીને ડોલર 5,594.82 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. ભારતીય બજારમાં પણ ઘટાડાની અપેક્ષા છે. ગઈકાલે સાંજ સુધીમાં, દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતા (24 કેરેટ) વાળું સોનું રૂ.1,83,000 પ્રતિ 10 ગ્રામ (ટેક્સ સહિત) ની નવી સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર, ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાના વાયદા કરારનો ભાવ વધીને 1,80,779 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. એપ્રિલમાં ડિલિવરી માટે સોનાના કરારનો ભાવ વધીને 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ગુડરિટર્ન્સના જણાવ્યા અનુસાર, આજે સોનાનો ભાવ વધીને 1,79,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તે જ સમયે, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, આજે સવાર સુધીમાં સોનાનો ભાવ વધીને 1,75,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં નવા ઊંચા સ્તરો સ્પર્શ્યા હતા
તાજેતરના દિવસોમાં સોનું અને ચાંદી બંને રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં નવા ઊંચા સ્તરો સ્પર્શ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ પણ અનેક વર્ષોના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ટૂંકા ગાળાના રોકાણકારોએ નફો વસૂલવાની શરૂઆત કરતાં બજારમાં વેચવાલી વધી અને ભાવોમાં ઘટાડો જોવા મળ્યો. નિષ્ણાતોના મતે, તેજી બાદ કરેક્શન આવવું સ્વાભાવિક પ્રક્રિયા છે અને તેને બજાર માટે સ્વસ્થ માનવામાં આવે છે.
સોના અને ચાંદી પર દબાણ આવ્યું
આ સાથે જ અમેરિકન ડૉલર મજબૂત થવાથી પણ સોના અને ચાંદી પર દબાણ આવ્યું છે. સામાન્ય રીતે જ્યારે ડૉલર મજબૂત બને છે, ત્યારે ડૉલરમાં ભાવિત થતી કિંમતી ધાતુઓ મોંઘી બનતી હોવાથી વૈશ્વિક માંગમાં ઘટાડો થાય છે. પરિણામે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ નીચે આવી રહ્યા છે. ઉપરાંત, અમેરિકન બૉન્ડ યિલ્ડમાં થયેલા ઉછાળાએ પણ રોકાણકારોને સુરક્ષિત વિકલ્પ તરીકે ડૉલર અને બૉન્ડ તરફ વાળ્યા છે.
સોના અને ચાંદી માટેનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે નબળું થયું નથી
તેમ છતાં, લાંબા ગાળાના દૃષ્ટિકોણે સોના અને ચાંદી માટેનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે નબળું થયું નથી. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવ, મહેસૂલી દબાણ અને આર્થિક અનિશ્ચિતતા જેવા પરિબળો હજુ પણ કિંમતી ધાતુઓને ટેકો આપી શકે છે. ખાસ કરીને મધ્ય પૂર્વ અને યુરોપમાં ચાલી રહેલા તણાવને કારણે સલામત રોકાણ તરીકે સોનાની માંગ ફરી વધવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરે છે. ઘરેલું બજારમાં પણ આંતરરાષ્ટ્રીય સંકેતોને અનુસરી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે, નિષ્ણાતો રોકાણકારોને સલાહ આપી રહ્યા છે કે ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે ઘબરાટમાં નિર્ણય લેવાને બદલે લાંબા ગાળાની વ્યૂહરચના સાથે રોકાણ કરવું જોઈએ. આવનારા સમયમાં ડૉલરની દિશા, વ્યાજદર સંબંધિત નિર્ણય અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ સોના-ચાંદીના ભાવની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.