રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓ બંનેને ચિંતામાં મૂકી દીધા છે. મગફળીના પાક પર વરસાદની સીધી અસર પડતાં બજારમાં આવક ઘટવાની શક્યતા ઊભી થઈ છે. યાર્ડમાં હાલ ટોકન સિસ્ટમથી મગફળી અને સોયાબીનની આવક ચાલુ છે, પરંતુ કમોસમી વરસાદ બાદ આવકમાં ધીમો પડાવ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે જો પાકમાં નુકસાન વધશે તો આવનારા દિવસોમાં સિંગતેલના ભાવમાં વધારો અનિવાર્ય બને.
યાર્ડમાં ટોકન સિસ્ટમથી મગફળની આવક ચાલુ
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ના જણાવ્યા અનુસાર યાર્ડમાં ટોકન સિસ્ટમ શરૂ કરીને ચાલુ વરસાદમાં પણ સોયાબીન અને મગફળીની મંગાવવામાં આવી રહી છે.. મગફળીના સોદાના ભાવ 1100થી 1200 રૂપિયા પડ્યા છે. આગામી સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે...જેમ જેમ ડિમાન્ડ વધશે તેમ તેમ મગફળીના ભાવ પણ ખેડૂતોને સારા મળશે.
ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યા અનુસાર મગફળીના ભાવ મગફળીની ક્વોલિટી ઉપર આધાર રાખે છે.. આજે યાર્ડમાં 200 વાહન મગફળી અને સોયાબીનના મંગાવવામાં આવ્યાં હતાં... યાર્ડમાં આજે 15થી 20 હજાર ગુણીની આવક થઈ છે.. રાજકોટ માર્કેટ યાર્ડ પાસે 15 વિઘાનો મોટો શેડ છે જેથી અત્યારે મગફળી અને સોયાબીન મંગાવવામાં આવી રહ્યાં છે.. યાર્ડમાં અત્યારે ટોકન સિસ્ટમથી આવક ચાલુ છે.
આ વર્ષે 20 કિલો મગફળીનો નીચામાં નીચો અને ઊંચો ભાવ કેટલો રહ્યો?
આ વર્ષે મગફળીનો નીચામાં નીચો ભાવ 700 આસપાસ અને ઉંચામાં ઉંચો 1300 રૂપિયા આસપાસ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમને મગફળીના ભાવ 1300-1400 રૂપિયા મળતા જોઈએ પણ અત્યારે અમને મગફળીના ભાવ 1150 આસપાસ મળી રહ્યાંછે...
આ વર્ષે મગફળીનું વાવેતર કેટલું થયું?
ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં ગયા વર્ષે મગફળીનું વાવેતર 2,68,000 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું હતું.. જ્યારે આ વર્ષે 3 લાખ 29 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થયો છે.. મગફળીના પાકમાં ખેડૂતોને સારૂ વળતર મળતું હોવાથી તેઓ કપાસના બદલે મગફળીનું વાવેતર કરે છે..
આ વર્ષે રાજકોટ જિલ્લામાં મગફળીનું વાવેતર 3 લાખ 29 હજાર હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષની તુલનામાં વધુ છે. શરૂઆતમાં ઉત્પાદનનો અંદાજ આશરે 9થી 10 લાખ ટન હતો, પરંતુ કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે હવે 10 થી 15 ટકા ઓછું ઉત્પાદન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ખેડૂતોનું શું કહેવું છે?
ખેડૂત વિનોદભાઈ કહે છે કે શરૂઆતના ભાવ 1151 રૂપિયા મગફળીનો ભાવ ભરવામાં આવ્યો છે.. જે અમારા માટે સંતોષકારક નથી... કારણ કે અમને આશા હતી કે અમને 1300 રૂપિયા આસપાસ ભાવ મળશે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે પણ અમારો વારો આવતો નથી અને પૈસા પણ મોડા મળે છે. ગયા વર્ષે અમને 1200 રૂપિયા મળ્યાં હતા અને આ વર્ષે 1100 રૂપિયા જ મળ્યાં છે. ખેડૂતે કહ્યું કે મગફળીનું વાવેતર કરવામાં અમને એક વીઘે 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જે અમને પોષાતો પણ નથી.
એડિબલ ઓઈલ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસીડન્ટ કિરીટભાઈ શાહ કહે છે કે અમુક જિલ્લામાં જ અત્યારે વરસાદ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે પાકનું ઉત્પાદન સારૂ છે. પણ ક્યાંકને ક્યાંક નુકસાની પણ છે. એટલે જો પાકને નુકસાની જશે તો આગામી સમયમાં તેલના ભાવમાં 5-10 ટકા વધારો થવાની શક્યતા છે.
સિંગતેલના બજારમાં પણ કમોસમી વરસાદનો પ્રભાવ જોવાની શક્યતા છે. મોટી ઓઈલ કંપનીઓના 15 લિટર પેકનો હાલનો ભાવ રૂ.2100થી રૂ.2300 આસપાસ ચાલી રહ્યો છે, જ્યારે કાચા ઘાણી (લોકલ) સિંગતેલનો ભાવ રૂ.2600થી રૂ.2800 વચ્ચે છે. જો મગફળીની આવક ઘટી જાય તો સિંગતેલના ભાવમાં 5થી 10 ટકા જેટલો વધારો શક્ય હોવાનું વેપારીઓ માની રહ્યા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓ બંનેને ચિંતામાં મૂકી દીધા છે. મગફળીના પાક પર વરસાદની સીધી અસર પડતાં બજારમાં આવક ઘટવાની શક્યતા ઊભી થઈ છે. યાર્ડમાં હાલ ટોકન સિસ્ટમથી મગફળી અને સોયાબીનની આવક ચાલુ છે, પરંતુ કમોસમી વરસાદ બાદ આવકમાં ધીમો પડાવ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે જો પાકમાં નુકસાન વધશે તો આવનારા દિવસોમાં સિંગતેલના ભાવમાં વધારો અનિવાર્ય બને.