સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સ્થિત સોય શેરીમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય મોતથી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગઈકાલે સવારે 41 વર્ષીય ફૈઝ અહેમદ યુસુફ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીનાબાનુ અને તેમનો 12 વર્ષીય પુત્ર નોમાન ઉર્ફે નોનુ પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોકસાઇડના ઝેરથી ગૂંગળામણ થતા મોત થયાનું ખુલ્યું છે. પહેલા ત્રણેયે ઝેરી દવા પી આપાત કર્યાની વાત બહાર આવી હતી. જોકે ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં આ વાતને નકારી કાઢવામાં આવી છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે 12 વર્ષનો નોમાન દરવાજો ખોલવા માટે પ્રયત્ન કરતો હોય અને તે દરમિયાન તેનું ગુંગળામણથી મોત થયું હોય તે પ્રકારની સ્થિતિ હતી. દીકરો ઘરના હોલમાં મૃત મળ્યો હતો. જ્યારે તેના માતા-પિતા બેડરૂમમાં અલગ અલગ મોતને ભેટેલા હાલતમાં મળ્યા હતા. ત્રણેયના મોઢામાંથી ફીણ નીકળતા હતા. રાત્રે બાર વાગ્યા આસપાસ સુતેલા આ પરિવાર પાંચ કલાકમાં જ મોતને ભેટ્યો હોય તે પ્રકારની માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી છે.
મળતી વિગત અનુસાર, સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરી ખાતે આવેલી સૈયદ મંઝિલમાં ત્રીજા માળે રહેતા 41 વર્ષીય ફૈઝ અહેમદ યુસુફ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીનાબાનુ અને તેમનો 12 વર્ષનો પુત્ર નોમાન ઉર્ફે નોનુ સોમવાર રાત્રે ઘરમાં રૂમમાં સુઇ ગયા હતા. ગઈકાલે સવારે ફૈઝને મોટા ભાઈ ઉસ્માન સૈયદએ સ્કૂલ પર પુત્રને લઈ જવા માટે ઘણા ફોન કરવા છતાં કોલ ઉપાડયો નહોતો. જેથી તે ઘરે ગયો ત્યારે તેમનો દરવાજો અંદરથી બંધ હતો.
ઉસ્માને દરવાજો તોડીને અંદર ગયો ત્યારે બેડરૂમમાં દંપતી અને હોલમાંથી બાળક નોમાન મૃત હાલતમાં જોઇને સ્તબ્ધ થઈ ગયો હતો. સૈયદ પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાની જાણ સ્થાનિક લાલગેટ પોલીસને થતા પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. બાદમાં ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્રણેયના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ ફોરેન્સિક મેડીસીન વિભાગના ડો. સંદિપ રલોતીએ કહ્યું કે, પ્રાથમિક દૃષ્ટીએ ગીઝરમાંથી ગેસ ગળતર હોઇ શકે. કાર્બનમોનોકસાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણના લીધે ત્રણેયનું મોત થયું હોય એવુ પ્રાથમિક દૃષ્ટીએ લાગી રહ્યું છે. જ્યારે મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા કોઇ અંશો મળ્યા નથી. તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. વધુમાં ફૈઝ તેમના સગા બે ભાઈઓ સાથે કેમિકલનો ધંધો કરતા હતા. તેમનો પુત્ર નોમાન મદ્રેસામાં ધોરણ-5માં અભ્યાસ કરતો હતો અને પુત્રી ફરીન ધોરણ-7માં અભ્યાસ કરે છે. આ અંગે વધુ તપાસ લાલગેટ પોલીસ કરી રહી છે.
ફૈઝ સૈયદના ઘર નજીક તેના દાદી સહિતનો પરિવાર રહે છે. ફૈઝ તેમની પત્ની અને તેમના બંને સંતાન દાદીના ઘરે ગયા હતા. ત્યાં તેઓએ જમીને મોડી રાત સુધી પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. તે સમયે દાદીના ઘરે તેમની પુત્રી ફરીન સુઇ ગઇ હતી. જેથી ફૈઝ તેમની પત્ની અને પુત્ર ઘરે જઇને સુઇ ગયા હતા. બાદમાં સવારે માતા-પિતા અને પુત્ર મોતને ભેટયા હતા. અને પુત્રી ફરીન દાદીના ઘરે સુઇ ગઇ હોવાથી બચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ફૈઝ સૈયદ તેમના પિરવાર સાથે ચાર દિવસ પહેલા જ સાઉદી અરબિયા ખાતે મક્કા મંદિના ખાતે ઉમરાહ કરીને સુરત પરત આવ્યા હતા. તેઓ યાત્રામાંથી લાવેલ પ્રસાદનું ગત મોડી રાત સુધી પરિવારજનો દાદીના ઘરે પેકિંગ કરતા હતા.
ફૈઝ સૈયદના ઘરમાં બાથરૂમની બહાર ગેસ ગીઝર મૂકવામાં આવ્યું હતું. જે ગીઝર સીધું જ રસોડા અને મોટા રૂમમાં બહાર દેખાઈ તે રીતે તથા બેડરૂમથી સૌથી નજીક મુકેલું છે. ગત રાત્રે ફૈઝના પરિવારજનોમાંથી ઘરે આવીને કોઈકે હાથ પગ ધોવા માટે ગરમ પાણીનો નળ ચાલુ કર્યો હોય જે નળ યોગ્ય રીતે બંધ નહી કરાતા જેના લીધે આ ગીઝર આખી રાત શરૂ રહ્યું હશે. જેમાંથી નીકળેલો કાર્બનમોનોકસાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણના લીધે ત્રણેયનું મોત થયું હોવાની સંભાવના સેવાઈ રહી છે.
પતિ, પત્ની અને પુત્ર ના મોતને લઈને પરિવાર સહિત સમાજમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારના ત્રણેય સભ્યોના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાત્રે એક સાથે ત્રણેય સભ્યોનો જનાજો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેયની દફનવિધિ કરવામાં આવી હતી.